આતુરતાનો અંત: મિર્ઝાપુર: ધ મૂવીની રીલીઝ ડેટ જાહેર, હવે મોટા પડદે જોવા મળશે ભૌકાલ,આ તારીખે ફિલ્મ થિયેટરોમાં થશે રીલીઝ
ભારતની સૌથી લોકપ્રિય અને કલ્ટ OTT ફ્રેન્ચાઇઝ, “મિર્ઝાપુર”, ડિજિટલ દુનિયામાંથી કૂદકો મારીને સીધા થિયેટરોમાં પ્રવેશવા જઈ રહી છે. એમેઝોન MGM સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે “મિર્ઝાપુર: ધ મૂવી” માટે ચાહકોની રાહ આખરે પૂરી થઈ ગઈ છે, ફિલ્મ થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે. આ પહેલી વાર હશે જ્યારે મિર્ઝાપુર યુનિવર્સની કહાની મોટા પડદા પર જીવંત કરવામાં આવશે.
4 સપ્ટેમ્બરે રિલીઝ થશે આ ફિલ્મ
‘મિર્ઝાપુર: ધ મૂવી’નું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આજે, નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરી. પોસ્ટરમાં રેતી પર દોડતા અનેક વાહનો દર્શાવવામાં આવ્યા છે, જેમાં બેકગ્રાઉન્ડમાં એક મોટી ખુરશી કાર સાથે બાંધેલી છે. રિલીઝ તારીખ જાહેર કરતા નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું છે કે, “હવે ભૌકાલને મોટા પડદા પર જુઓ. ‘મિર્ઝાપુર: ધ મૂવી’ 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.”
વેબ સિરીઝ 2018માં શરૂ થઈ હતી
‘મિર્ઝાપુર’ 2018 માં વેબ સિરીઝ તરીકે ડેબ્યૂ થયું હતું. આ ક્રાઈમ-થ્રિલરની પહેલી સીઝન ખૂબ જ હિટ રહી હતી. ફિલ્મના દરેક દ્રશ્ય અને સંવાદ ખૂબ જ લોકપ્રિય થયા હતા. શ્રેણીના મુખ્ય પાત્રો, કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી), ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) અને મુન્ના ભૈયા (દિવ્યેન્દુ શર્મા), ઝડપથી ઘર-ઘરમાં લોકપ્રિય બની ગયા.
સીરિઝની લોકપ્રિયતાનો લાભ ઉઠાવતા, નિર્માતાઓએ 2020 માં “મિર્ઝાપુર” ની બીજી સીઝન રજૂ કરી. આ સીઝનને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો, અને વાર્તામાં ઘણા નવા વળાંકો ઉમેરવામાં આવ્યા હતા. લગભગ ચાર વર્ષ પછી, 2024 માં, નિર્માતાઓએ “મિર્ઝાપુર” ની ત્રીજી સીઝન રજૂ કરી. જોકે, આ વખતે, સ્ટોરી સારી રીતે ચાલી ન હતી, અને સિરીઝે વધુ ધ્યાન ખેંચ્યું ન હતું. હવે, નિર્માતાઓ મિર્ઝાપુરની કહાનીને મોટા પડદા પર લાવી રહ્યા છે, અને દર્શકો તેને જોવા માટે ઉત્સાહિત છે.
આ પણ વાંચો :દારૂબંધી માત્ર કાગળ પર? સાણંદ પોલીસે હાઇ પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી પર દરોડા પાડ્યા: 81 લોકોની અટકાયત, 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત
ફ્રેન્ચાઇઝની મુખ્ય કાસ્ટમાં કેટલીક નવી એન્ટ્રીઓ
ગુરમીત સિંહ દ્વારા દિગ્દર્શિત, “મિર્ઝાપુર: ધ મૂવી” પુનીત કૃષ્ણ દ્વારા લખાયેલ છે. આ ફિલ્મ ફ્રેન્ચાઇઝના લોકપ્રિય પાત્રોની વાપસી દર્શાવે છે. જેમાં કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી) અને ગુડ્ડુ પંડિત (અલી ફઝલ)નો સમાવેશ થાય છે. દિવ્યેન્દુ દ્વારા ભજવવામાં આવેલ મુન્ના ભૈયાનું બહુપ્રતીક્ષિત વાપસી પણ જોવા મળે છે, જે સીરિઝના સૌથી લોકપ્રિય પાત્રોમાંના એક તરીકે ગણવામાં આવે છે. લીડ કાસ્ટ ઉપરાંત, ફિલ્મમાં જિતેન્દ્ર કુમાર, રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા ગૌર, સુશાંત સિંહ, મોહિત મલિક, શીબા ચડ્ઢા, રાજેશ તૈલંગ, કુલભૂષણ ખરબંદા, સોનલ ચૌહાણ અને પ્રમોદ પંથવા પણ છે.
