રાજકોટ : ૧.૯૫ કરોડનો ‘ધૂંબો’ આવતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
- સોની બજારમાં દુકાન ધરાવતા અને ગુંદાવાડીના ગોવિંદપરામાં રહેતા ૯ લોકોએ ઉધઈ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી
- મુંબઈના વેપારીને ૬ કિલોથી વધુ સોનું આપ્યું હોય તે પેટેનું પેમેન્ટ ૯ મહિનાથી ચૂકવાતું ન હોય બેન્ક લોન ચડી જતાં કંટાળીને મોત મીઠું કરવા પરિવારે મન બનાવ્યું’તું
- સદ્ભાગ્યે સમયસર સારવાર મળી જતાં તમામના જીવ બચી ગયા: મુંબઈના વેપારીઓ સામે ગુન્હો નોંધવા તજવીજ
રાજકોટના સોની બજારમાં ખેતશી વોરાની શેરીમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં અને ગુંદાવાડીમાં રહેતાં સોની પરિવારના ૯ લોકોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં સનસનાટી મચી જવા પામી હતી. આ પગલું ભરવા પાછળનું કારણ પરિવારને આવેલો ૧.૯૫ કરોડનો `ધૂંબો’ ગણાવાઈ રહ્યું છે આમ છતાં પોલીસ દ્વારા ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સોની બજારમાં ખેતશી વોરાની શેરીમાં કેતન હાઉસ કોમ્પલેક્સમાં સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા લલિતભાઈ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૭૨), તેમના પત્ની મીનાબેન, પુત્ર ચેતન, ચેતનના પત્ની દિવ્યાબેન સહિતના ૯ પરિવારજને ઉધઈ મારવાની ઝેરી દવા પી મોત મીઠું કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. સદ્ભાગ્યે તમામને સમયસર સારવાર મળી જતાં જીવ બચી ગયા હતા.
તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ ત્યાંથી વિગતો આપતાં જણાવાયું હતું કે ૩-૮-૨૦૨૩થી લઈ ૧૫-૧૨-૨૦૨૩ સુધીમાં તેમણે મુંબઈના વિજય કૈલાસ રાવલ, મહેન્દ્ર, પ્રશાંત યશવંત પોસ્ટુરેને ૧.૯૫ કરોડની કિંમતનું ૬ કિલો ૪૮૧ ગ્રામ સોનું આપ્યું હતું. આ લોકો સાથે ઘણા સમયથી સોનાની વેચાણ-ખરીદી થઈ રહી હતી અને શરૂઆતમાં ત્રણ મહિના સુધી આ લોકોએ નિયમિત ચૂકવણું પણ કર્યું હતું. જો કે ૬ કિલો ૪૮૧ ગ્રામ જેટલા માતબર સોનાના પેમેન્ટનું ચૂકવણું કરવામાં ઠાગાઠૈયા કરતા પરિવાર આર્થિક રીતે ઘેરાઈ જવા પામ્યો હતો. વળી, મકાન સહિતની બેન્ક લોન ચાલું હોય તેના હપ્તા પણ ચડત થઈ જતાં બેન્ક દ્વારા પણ દબાણ આવી રહ્યું હતું.
આ બધાની કંટાળી જઈને આખરે પરિવારે એક સાથે ઝેર પી જીવનનો અંત આણી લેવાનું નક્કી કર્યું હતું અને પછી ઉધઈ મારવાની દવા પી લેતાં સૌને ઊલટીઓ શરૂ થઈ જવા પામી હતી. પરિવારે દવા ગટગટાવી લીધાની જાણ થતાં જ તમામને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા અને ત્યાં સમયસર સારવાર આપી દેવામાં આવી હતી.
બોક્સ
આપઘાતનો પ્રયાસ કરનાર સોની પરિવાર
- લલિતભાઈ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૭૨)
- મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉ.વ.૬૪)
- ચેતનભાઈ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૪૫)
- દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉ.વ.૪૩)
- જય ચેતનભાઈ આડેસરા (ઉ.વ.૨૧)
- વિશાલ લલિતભાઈ આડેસરા (ઉ.વ.૪૩)
- સંગીતાબેન વિશાલભાઈ આડેસરા (ઉ.વ.૪૧)
- વંશ વિશાલભાઈ આડેસરા (ઉ.વ.૧૫)