પનામા સતત ત્રીજા વર્ષે વિશ્વમાં પ્રવાસીઓ માટે નંબર-1 દેશ બન્યો
વિદેશમાં જઈને સ્થાયી થવા, ઉત્તમ નોકરી-રોજગાર મેળવવાની ઈચ્છા રાખતા લોકો માટે પનામા સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશ તરીકે ઉભરી આવ્યો છે. વૈશ્વિક સ્તરે પ્રવાસીઓના હિતો માટે કામ કરતી જાણીતી સંસ્થા ‘ઈન્ટરનેશન્સ’ (InterNations) દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ ‘એક્સપેટ ઇનસાઇડર સર્વે 2026’ માં આ મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે. પનામા સતત ત્રીજા વર્ષે આ યાદીમાં વિશ્વભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે મેક્સિકો બીજા અને થાઈલેન્ડ ત્રીજા સ્થાને રહ્યા છે.
સર્વેના મુખ્ય માપદંડો અને વૈશ્વિક સ્થિતિ
આ સર્વેક્ષણમાં વિશ્વભરના 162 દેશોમાંથી આવેલા 7,786 પ્રવાસીઓએ ભાગ લીધો હતો, જેના વિશ્લેષણ બાદ કુલ 31 દેશોને અંતિમ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મુખ્ય માપદંડો: જીવનની ગુણવત્તા, નવા દેશમાં સ્થાનિક વાતાવરણમાં ભળી જવાની સરળતા, રોજગારીની તકો, વ્યક્તિગત આર્થિક સ્થિતિ અને રહેઠાણ જેવી વ્યવહારુ સુવિધાઓ. સ્થાનિક લોકોનું મૈત્રીપૂર્ણ વલણ અને સસ્તું-કિફાયતી જીવન આમાં નિર્ણાયક સાબિત થયા છે.
ભારતનું સ્થાન: આ વર્ષે 31 દેશોની આ યાદીમાં ભારતને સ્થાન મળ્યું નથી.
અમેરિકા અને નોર્વે: વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતું અમેરિકા આ યાદીમાં ૨૦મા સ્થાને ધકેલાઈ ગયું છે, જ્યારે નોર્વે 31મા સ્થાને રહીને યાદીમાં સૌથી છેલ્લું રહ્યું છે.
આ પણ વાંચો: AI Ecosystemને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર અને Automation Anywhere વચ્ચે ઐતિહાસિક MoU
પ્રવાસીઓ માટે વિશ્વના ટોપ-10 દેશો
- પનામા
- મેક્સિકો
- થાઈલેન્ડ
- સંયુક્ત આરબ અમીરાત (UAE)
- બ્રાઝિલ
- સ્પેન
- સિંગાપોર
- પોર્ટુગલ
- મલેશિયા
- લક્ઝમબર્ગ
ટોચના દેશોની વિશેષતાઓ અને પ્રવાસીઓનું આકર્ષણ
પનામા (રેન્ક 1): સતત ત્રીજા વર્ષે શીર્ષ પર રહેલા પનામાએ ‘વર્કિંગ અબ્રોડ’ અને ‘પર્સનલ ફાઇનાન્સ’ બંને ઇન્ડિકેટર્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અહીં 87% પ્રવાસીઓ પોતાના જીવનથી અત્યંત ખુશ છે (વૈશ્વિક સરેરાશ 70%). 90% લોકો માને છે કે અહીં રહેઠાણ શોધવું ખૂબ સરળ છે. સરળ બેંકિંગ પ્રક્રિયા, વેપાર-ધંધાની સુગમતા, ઓછા યુટિલિટી બિલ્સ અને સ્થિર અર્થવ્યવસ્થાને કારણે લોકો તણાવમુક્ત જીવન જીવી રહ્યા છે.
મેક્સિકો (રેન્ક 2): નવા વાતાવરણમાં સરળતાથી ગોઠવાઈ જવાના મામલે મેક્સિકો વિશ્વમાં બીજા નંબરે છે. અહીં 73% પ્રવાસીઓ માને છે કે સ્થાનિક લોકો સાથે મિત્રતા કરવી સરળ છે. રહેવાનો ખર્ચ અને મેડિકલ સેવાઓ અમેરિકાની સરખામણીએ ઘણી સસ્તી છે (જોકે સુરક્ષા મામલે આ દેશ 31માંથી 25મા ક્રમે રહ્યો છે).
થાઈલેન્ડ (રેન્ક ૩): થાઈલેન્ડ વિશ્વના સૌથી ખુશહાલ પ્રવાસીઓનું ઘર બન્યું છે, જ્યાં 86% લોકો સંતુષ્ટ છે. જીવનનિર્વાહના ખર્ચમાં તેને સૌથી વધુ સ્કોર મળ્યો છે. સ્થાનિક ભોજન, આદરપૂર્ણ સંસ્કૃતિ, મોલ્સ અને ઉત્તમ સ્કૂલિંગ પ્રવાસીઓને આકર્ષે છે.
સંયુક્ત આરબ અમીરાત – UAE (રેન્ક ૪): કારકિર્દીનો વિકાસ અને ઇમિગ્રેશનને લગતી કાગળની કામગીરી સરળ બનાવવામાં UAE આગળ રહ્યું છે. દુબઈ સલામત વાતાવરણ અને બિઝનેસ આપે છે, જ્યારે રાસ અલ ખૈમા જેવા શહેરો પરિવારોને શાંત જીવન પ્રદાન કરે છે.
બ્રાઝિલ (રેન્ક ૫): બ્રાઝિલે પ્રથમ વખત ટોપ-૫માં સ્થાન મેળવ્યું છે. લોકોની ઉષ્મા અને ખુલ્લા દિલના સ્વભાવના કારણે પ્રવાસીઓ ઝડપથી સામાજિક જીવનમાં ભળી જાય છે. અહીં પ્રવાસીઓને પોર્ટુગીઝ ભાષા શીખવાની અને સંસ્કૃતિને સમજવાની તક મળે છે.
‘એક્સપેટ ઇનસાઇડર સર્વે ૨૦૨૬’ ના આ પરિણામો દર્શાવે છે કે આધુનિક સમયમાં પ્રવાસીઓ માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં, પરંતુ શાંતિ, ઉષ્માભર્યું વાતાવરણ અને સસ્તી જીવનશૈલીને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. પનામા અને અન્ય ટોચના દેશોએ આ જ ખૂબીઓને કારણે વૈશ્વિક સ્તરે પ્રવાસીઓની પ્રથમ પસંદગી બનીને અનોખી આગવી ઓળખ ઊભી કરી છે.
