રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી મતી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ-૬ થી ૧૨ની કુલ ૧૦ લાખથી વધુ દીકરીઓ માટે રૂ. ૪૬.૬૮ કરોડના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ની સુવિધા સુનિશ્ચિત કરાઈ છે. આ પહેલ હેઠળ સરકારી શાળાઓની દરેક દીકરી દીઠ વાર્ષિક રૂ.૩૬૦ની બજેટ જોગવાઈ સાથે દર મહિને ગુણવત્તાયુક્ત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન વિનામૂલ્યે આપવામાં આવશે.
શાળાઓમાં સરળ વિતરણ અને સુચારુ વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીનીઓને શાળાઓમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ‘ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન’ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દીકરીઓ કોઈપણ જાતનો સંકોચ, શરમ કે ખચકાટ અનુભવ્યા વિના આરામદાયક વાતાવરણમાં નેપકીન મેળવી શકે તેવી સુવિધાસભર વ્યવસ્થા શાળામાં ગોઠવવામાં આવશે.
‘મફત સેનેટરી નેપકીન’ના પ્રત્યક્ષ અમલીકરણ અને વિતરણની દેખરેખ માટે શાળાના જ મહિલા શિક્ષકને ‘નોડલ શિક્ષક’ તરીકેની મુખ્ય જવાબદારી સોપવામાં આવશે, જેથી દીકરીઓ તેમની સાથે મુક્તપણે ચર્ચા કરી શકે. આ ઉપરાંત મહિલા શિક્ષક દ્વારા કન્યાઓને શારીરિક સ્વચ્છતા અને માસિક ધર્મ અંગે સાચી તથા વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવશે, જેથી તેમના મનમાંથી ભય અને ગેરમાન્યતાઓ દૂર થાય તેમજ શિક્ષણ પ્રત્યે આત્મવિશ્વાસ વધે.
વધુમાં શાળાઓને વપરાયેલા નેપકીનનો નિકાલ સંપૂર્ણપણે ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬’ મુજબ કરવાનો રહેશે. પેડ્સને કાગળમાં લપેટીને ભીના-સૂકા કચરાથી અલગ રાખવા, ખુલ્લામાં કે ટોયલેટમાં ન ફેંકવા અને સ્થાનિક કચરા સંગ્રહ વ્યવસ્થાને સોંપવાનો રહેશે . આ ઉપરાંત, શાળાઓમાં ઉપલબ્ધ ઈન્સિનીરેટર (સેનેટરી પેડ બાળવાની ભઠ્ઠી) મશીન કાર્યરત રહે અને તેની સમયાંતરે યોગ્ય સર્વિસ થાય તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત સરકારનો આ નિર્ણય માત્ર આરોગ્યલક્ષી નથી, પરંતુ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સાકાર કરતું ક્રાંતિકારી પગલું છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માસિક ધર્મના દિવસોમાં ગેરહાજર રહેતી કન્યાઓ હવે નિયમિત શાળાએ આવી શકશે, જેનાથી દીકરીઓના સ્થાયીકરણ માટે રાજ્ય સરકારને મદદ મળશે.
આ ઉપરાંત, અસ્વચ્છ કાપડના વપરાશથી થતા ગંભીર ઈન્ફેક્શન અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત રોગો સામે કન્યાઓને સુરક્ષા મળશે. આ પહેલ હેઠળ અપાતા ઈકો-ફ્રેન્ડલી ઓક્સો-
બાયોડિગ્રેડેબલ નેપકીન પર્યાવરણનું પણ જતન કરશે, જ્યારે બીજી તરફ મફત વિતરણના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરનો નાણાકીય બોજ હળવો થશે.”
