- મોટા મવાના શખ્સનું વધુ એક કારસ્તાન : કોન્ટ્રાકટરની કાર બોગસ સહી કરી વેચી મારી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં મોટા મવામાં રહેતા ભરત કુછડીયા નામના શખ્સે ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા યુવાનનો ટ્રક પચાવી પાડયા બાદ જલારામ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટરની કાર ખરીદી તેને અડધી રકમ બાકી રાખી કારને અન્ય કોઈને ખોટું આધાર કાર્ડ અને સહી કરી વેચી નાખ્યાનું ખૂલતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
બનાવ અંગે યુનિ. રોડ પર જલારામ સોસાયટી-2માં રહેતા સંજયભાઇ રમણીકભાઇ વણઝારા (ઉ.વ.44)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોટા મવાના ભરત દેવા કુંછડીયાનું નામ આપતા જણાવ્યું હતું કે તેઓ કન્ટ્રક્શનનું કામ કરે છે. તેમની પાસે હોન્ડા સીટી કાર છે. જે કાર તેઓને વેચાણથી આપવી હોય જેથી મિત્ર ભાવેશ પીઠડીયાને વાત કરતાં ગત તા. 23-3ના ભાવેશ પીઠડીયાએ તેમને આ કાર ભરત કુંછડીયાને લેવી છે. તેમ જણાવતા કારનો સોદો રૂા.6 લાખમાં નક્કી કર્યો હતો. અને 3 લાખ આપી બાકીના 3 લાખ પછી આપવાનું નક્કી કરી કાર આરોપીને આપવામાં આવી હતી. આરોપીએ આ કાર પોતે ખરીદી કરી અને તેનું વેચાણ ફરિયાદીની જાણ બહાર કેશોદના રાજેશભાઇ કોથળીયાને કરી તેના નામે પણ ખોટા ડોક્યુમેન્ટ અને સહી કરી નાખી હતી. જેથી આ મામલે સંજયભાઇએ યુનિ. પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે મોટા મવાના આ ગઠીયાએ ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી યુવાન પાસે રૂા. 11.17 લાખનો ટ્રક પડાવી લેતા બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.