- સામાન્ય વરસાદે જ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પાડી દીધી : ઠેર-ઠેર મહાકાય ખાડાઓનું સામ્રાજ્ય
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં કોર્પોરેશનના પાપે સામાન્ય વરસાદમાં પણ સ્માર્ટ સિટી એવા રાજકોટના રસ્તાઓની હાલત બિસ્માર બની છે. હજુ એટલો વરસાદ પણ રાજકોટમાં આવ્યો નથી ત્યાં રોડ રસ્તાઓ પરનો ડામર મિસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ થઈ ગયો છે.હાલ શહેરનો એકપણ રોડ એવો નથી કે જ્યાં મહાકાય ખાડાઓનો સામ્રાજ્ય જેવા મળતું ન હોય.જ્યારે કુવાડવા મેઇન રોડ પરના લાતી પ્લોટ વિસ્તારના રોડ-રસ્તાઓની હાલત ખખડધજ બની છે.અને જો આ રોડ વાહનચાલક થોડી પણ બેદરકારી દાખવે તો તેને સિધું જ હાડાકાંના ડોક્ટર પાસે જવું પડે તેવી સ્થિતિ બની છે.
શહેરમાં દર વર્ષે રસ્તા મરામત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ શહેરીજનોના ભાગે માત્ર ચોમાસાની સિઝનમાં બદતર રસ્તા સિવાય વિશેષ કશું જ નશીબમાં આવતું નથી.રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ રાજકોટ શહેરમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે આ સામાન્ય વરસાદે પણ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પાડી દીધી છે.રોડ-રસ્તા બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જેમાંથી લાખો રૂપિયાની મલાઇ તારવી લેવામાં આવતી હોવાના કારણે દર વર્ષે ચોમાસામાં રાજકોટવાસીઓની હાલત ગામડામાં રહેતા નાગરિકોથી પણ ખરાબ થઇ જવા પામે છે.
કુવાડવા રોડ પર આવેલા લાતી પ્લોટ વિસ્તારની હાલત પણ એવી બનવા પામી છે.કોર્પોરેશન દ્વારા અહી ચોમાસા પૂર્વે ગેરેન્ટીવાળા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા.અને સામાન્ય વરસાદમાં જ આ રોડ પરનો ડામર ધોવાઈ ગયો હતો.જેથી ઠેર-ઠેર મહાકાય ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેથી આ રોડની વહેલી તકે મરામત કરવામાં આવે તેવી વેપારીઓને માંગણી કરી છે.