ગુજરાતના જળ જીવન મિશનની પોલ ખુલી: CAG ના અહેવાલમાં ગંભીર ખામીઓ ઉજાગર, કાગળ પરના દાવાઓ સામે ઉઠયા સવાલો
દેશના દરેક ગ્રામીણ પરિવાર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વાકાંક્ષી ‘જળ જીવન મિશન’ યોજના શરૂ કરવામાં આવી હતી. જો કે, ગુજરાતમાં આ યોજનાના અમલીકરણને લઈને કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) નો રિપોર્ટ સામે આવતા સરકારી દાવાઓની પોલ ખુલી ગઈ છે અને યોજનાની વાસ્તવિક સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
૨૪.૫૨ લાખ ઘરો હજુ પણ નળ કનેક્શન વિહોણા
કેગના રિપોર્ટ અનુસાર, નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં ૭૨.૧૪ લાખ ગ્રામીણ ઘરોને કાર્યરત ઘરેલુ નળ જોડાણ આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું. તેની સામે માત્ર ૪૭.૬૨ લાખ ઘરોને જ પ્રત્યક્ષ જોડાણ મળી શક્યું છે. આનો અર્થ એ થયો કે હજુ પણ અંદાજે ૨૪.૫૨ લાખ જેટલા (એટલે કે ૩૪ ટકા) ઘરો સુધી નળનું જોડાણ પહોંચ્યું જ નથી. આશ્ચર્યની વાત એ છે કે વાસ્તવિક સ્થિતિ આ હોવા છતાં રાજ્યને ‘હર ઘર જલ’ રાજ્ય જાહેર કરી દેવામાં આવ્યું હતું.
‘હર ઘર જલ’ ગામોની વાસ્તવિકતા અને બિનઉપયોગી કનેક્શન્સ
કેન્દ્ર સરકારના સર્વેમાં સામે આવ્યું છે કે જે ગામોને ‘હર ઘર જલ’ તરીકે જાહેર કરાયા હતા ત્યાં પણ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હતી:
૮૯.૫ ટકા નળમાં જ નિયમિત પાણી આવતું હતું.
૧૧.૬ ટકા નળ કનેક્શન કોઈપણ પ્રકારના વપરાશ વગર સાવ એળે ગયા હતા અથવા બિનઉપયોગી હતા.
માત્ર ૮૦.૨ ટકા ઘરોને જ પૂરતા પ્રમાણમાં અને ૮૩.૬ ટકા ઘરોને નિર્ધારિત સમયસર પાણી મળી શકતું હતું.
આયોજનની ખામીઓ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ
ઓડિટ રિપોર્ટમાં યોજનાના સંચાલન અને આયોજન સામે પણ કડક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. નિયમો અને માપદંડોની સંપૂર્ણ પૂર્તતા થયા વગર જ ઘણા ગામોને ‘હર ઘર જલ’ જાહેર કરાયા હતા. આ ઉપરાંત, ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, કરાર વ્યવસ્થાપનમાં ક્ષતિઓ, જમીન ઉપલબ્ધ ન થવી તેમજ ડિઝાઇન મંજૂરીમાં થયેલા વિલંબને કારણે સમગ્ર યોજનાની ગતિ ઘણી મંદ પડી હતી.
સારરૂપે કહીએ તો, જળ જીવન મિશનની સફળતા માત્ર કાગળ પરના આંકડાઓ કે લક્ષ્યાંકો બતાવવાથી સિદ્ધ થતી નથી. જ્યાં સુધી દરેક ગ્રામીણ ઘરના નળમાંથી નિયમિત, પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી નહીં મળે, ત્યાં સુધી આ યોજનાનો વાસ્તવિક હેતુ સર નહીં થાય. તંત્રએ કેગના આ રિપોર્ટને ગંભીરતાથી લઈને ક્ષામીઓ સુધારવી અનિવાર્ય છે.
