હવે ‘EVMને આરામ કરવા દો…આવતી ચૂંટણીમાં ફરી ટીકા કરજો’ :ચૂંટણી પંચ
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કર્યો કટાક્ષ : ઈવીએમને વિશ્વાસપાત્ર ગણાવ્યા
સામાન્ય રીતે વિરોધ પક્ષ ચૂંટણીમાં પરાજય પામે છે ત્યારે ઈવીએમ ઉપર હારનું ઠીકરું ફોડે છે..આ વખતે પણ મતદાનના ચાર-પાંચ તબક્કા સુધી ઈવીએમની ટીકા કરવામાં આવી હતી અને ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠ્યા હતા, એવામાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારએ કટાક્ષ કરતા કહ્યું હતું કે હવે ઈવીએમ ને આરામ કરવા દો, આગામી ચૂંટણીમાં સુધી આરોપો સહન કરવા તૈયાર થઇ જશે.
ઈવીએમ સાથે ચેડાં કરવાના આરોપો પર મીડિયાને સંબોધતા રાજીવ કુમારે જણાવ્યું હતું કે પાછલી 20-22 ચૂંટણીઓ માટે એક જેવી જ પરંપરાનું પાલન કરવામાં આવ્યું છે, દર વખતે ઈવીએમ સાથે ચેડાં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને તેમની વિશ્વસનીયતા પર હંમેશા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ અંતે, ઈવીએમ એ હંમેશા સાચા પરિણામો દર્શાવ્યા છે.
રાજીવ કુમારે કહ્યું કે “ચૂંટણી પરિણામો બધાની સામે છે, બિચારા ઈવીએમ પર આરોપ શા માટે? તેને થોડા દિવસ આરામ કરવા દો. આગામી ચૂંટણી સુધી ઈવીએમ ને આરામ કરવા દો. પછી તે બહાર આવશે, પછી તેની બેટરી બદલાશે, પછી તેના કાગળો, ફરી તેને દોષ આપવામાં આવશે, પરંતુ ઈવીએમ છેલ્લા 20-22 ચૂંટણીઓથી સમાન પરિણામો દર્શાવે છે.”
તેમણે એમ પણ કહ્યું કે કદાચ ઈવીએમનો જન્મ એવા આરોપ અને ટીકા કરવા માટે થયો, પરંતુ તે ખૂબ જ વિશ્વસનીય છે; તે દરેક રીતે તટસ્થ છે અને તેનું કામ કરે છે.
ઈવીએમ ની વિશ્વસનીયતાને લઈને વિપક્ષ ચૂંટણી પંચ પર આરોપ લગાવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે અગાઉ બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી યોજવા અંગેની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.