ઓમ નગર તરફથી બાઇક લઇ યુવક પોતાની દુકાને જઈ રહ્યો હતો ત્યારે બન્યો બનાવ : 108ને આવવામાં વધુ સમય લાગતા સ્થાનિક લોકો હોસ્પિટલે લઈ ગયા
ઉતરાયણ પર્વ પર લોકો પતંગનો પેચ લગાડી મજા માણતા હોય છે. ત્યારે આ દોરીની મજા કોઇની જીંદગી પણ બગાડી શકે છે. કપાયેલી દોરી વાહન ચાલકોના ગળામાં ફસાતા અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.ત્યારે ગઇકાલે બપોરે મવડી ઓવર બ્રીજ પર 22 વર્ષીય વાહન ચાલક યુવકના ગળામાં પતંગની દોડી ફસાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.આ ઘટનાની જાણ સ્થાનિકોએ પ્રથમ 108ને કરી હતી.પરંતુ 108ની ટીમને આવવામાં વધુ સમય લાગતાં લોકો પોતાના વાહનમાં જ યુવકને સારવાર માટે લઇ ગયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલ બપોરના સમયે ઓમ નગર પાસે રહેતો મિહીર પરેશભાઈ સોડાગર નામનો 22 વર્ષીય યુવક પોતાનું બાઇક લઇને ઓમ નગરથી પોતાની દુકાને જઈ રહ્યો હતો.તે સમયે મવડી ઓવર બ્રિજ પર તેના ગળામાં પંતગની દોરી આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.અને તે વાહન પરથી નીચે પટકાયો હતો.અકસ્માત થતાં જ સ્થાનિક લોકો તેની મદદે દોડી આવ્યા હતા.
એક વ્યક્તિ દ્વારા ઘટનાની 108ને જાણ કરી હતી.પરંતુ મિનિટોમાં આવી જતી 108ને આવવામાં ઘણો સમય લાગતા લોકોએ મિહિરને લોહીલુહાણ હાલતમાં જ તેમના વાહનમાં સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જેથી સમયસર સારવાર મળી જતાં મિહિરનો જીવ બચી ગયો હતો.