રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ : આ તારીખથી શરૂ થશે સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ વિતરણ, આ રીતે કરો અરજી
ચાલુ વર્ષે રાજકોટના સુપ્રસિદ્ધ ભાતીગળ જન્માષ્ટમી લોકમેળાના સ્થળને લઈ અવઢવ હોવા છતાં લોકમેળા સમિતિ રાજકોટ દ્વારા આગામી તા.14 થી 18 ઓગસ્ટ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે જ પરાંપરાગત લોકમેળો યોજાશે તેવી આશા સાથે આગામી તા.9 જૂનથી પાંચ દિવસ એટલે કે 13 જૂન સુધી સ્ટોલ અને પ્લોટ બુકીંગ માટે ફોર્મ વિતરણ કરવામાં આવશે તેમ જાહેર કરી તા. 23થી 26 જૂન દરમિયાન ડ્રો-હરરાજી યોજવાનું જાહેર કર્યું છે.

રાજકોટ શહેરમાં 1983થી શહેરના શાસ્ત્રી મેદાન ખાતે જન્માષ્ટમી લોકમેળો યોજવાનું શરૂ થયા બાદ સમય જતા શાસ્ત્રીમેદાન ટૂંકું પડવાની સમસ્યાને લઇ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતા લોકમેળાની તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તેવા સમયે જ લોકમેળા સમિતિ દ્વારા ગતવર્ષની ડિઝાઇન મુજબ જ રેસકોર્સમાં લોકમેળો યોજવા નક્કી કરી આગામી તા.9 જૂનથી 13 જૂન દરમિયાન પ્લોટ અને સ્ટોલ બુકીંગ માટે ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત-1, જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના 11 થી બપોરના 16 કલાક દરમિયાનમાં રૂ. 200 ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરવા જાહેર કર્યું છે.
સ્ટોલ માટે આ રીતે કરી શકશો અરજી
લોકમેળામાં સ્ટોલ પ્લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના 120 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 6 સ્ટોલ તા.23 જૂન સોમવારના 11 કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 12 પ્લોટનો તા. 23 જૂને સોમવાર સવારે 11.30 કલાકે હરરાજી રાખવામાં આવી છે. આ ઉપરાંત તા.24ના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના 2 પ્લોટ અને બી1/કોર્નર ખાણીપીણીના 44 પ્લોટ માટે સવારે 11.30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જીના 20 અને એચના 6 પ્લોટની હરરાજી તા.25 જૂને કરવામાં આવશે. એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ તથા કેટેગરી ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે સવારે 11.30 કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ -1જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે.

યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર ઈ,એફ,જી,એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. કેટેગરી જે અને કે નું ફોર્મ ભરનાર અરજદારએ રાજકોટ મહાનગરપાલિકાનો રેસકોર્સ મેદાન ખાતેનો એલોટમેન્ટ લેટર રજુ કરવાનો રહેશે ત્યાર બાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. જે અને કે કેટેગરીમાંથી કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકાશે. જેમાં કેટેગરી જે તથા કે માટેના પ્રવેશદર મહત્તમ રૂ.35 ઈ,એફ,જી,એચ યાંત્રિક કેટેગરીની આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.45 લેવાના રહેશે.લોકમેળાનો નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ સીટી પ્રાંત-1 જૂની કલેકટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે.
ન્યુ રેસકોર્સમાં મેળો યોજવા 18 કરોડની ગ્રાન્ટ મંગાઈ
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકમેળો યોજાઈ રહ્યો છે જેનો વિરોધ કરી ધારાસભ્ય ડો.દર્શિતા શાહ દ્વારા ટ્રાફિક સહિતની સમસ્યા જોતા લોકમેળો શહેર બહાર અટલ સરોવર પાસે ન્યુ રેસકોર્સમાં યોજાઈ તે માટે છેલ્લા એક વર્ષથી સતત સંકલન સમિતિમાં સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ન્યુ રેસકોર્સના મેદાનમાં લોકમેળો યોજવા માટે ગ્રાઉન્ડને લેવલીંગ કરવું જરૂરી હોય લેવલીંગ ખર્ચ માટે 18 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ હોવાથી શહેરી વિકાસ વિભાગ પાસે 18 કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. જો સરકાર ગ્રાન્ટ ફાળવણી કરશે તો લોકમેળો રેસકોર્સને બદલે ન્યુ રેસકોર્સમાં યોજાશે.