નવ દિવસમાં જ મુખ્ય સપ્લાયરથી લઈ એક-બે હથિયાર ખરીદનારને પણ દબોચી લેવાયા
સૂત્રધાર સહિતના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે: હવે હથિયાર બનાવનાર સુધી છેડો લંબાવાશે
રાજકોટ જ નહીં બલ્કે સૌરાષ્ટ્રના સૌથી મોટા હથિયાર નેટવર્કનો પર્દાફાશ કરીને પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)એ `વેપન કાર્ટેલ’ની કમર તોડી નાખતા નવ દિવસની અંદર જ ૩૮ દેશી બનાવટની પીસ્ટલ-તમંચા તેમજ ૩૨ જીવતા કાર્ટિસ સાથે ૨૦ શખસોને પકડી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ખાસ કરીને પીસીબીએ માત્ર ગેરકાયદેસર હથિયાર ખરીદનાર જ નહીં પરંતુ સૌથી પહેલાં હથિયાર સપ્લાયરને પકડી પાડી એક બાદ એક કડીને જોડતાં આ વેપન કાર્ટેલને તહેસ-નહેસ કરી નાખી હતી. મંગળવારે વેપન કાર્ટેલના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા છે ત્યારે હવે પીસીબીનો છેડો હથિયાર બનાવનાર સુધી લંબાવવાની દિશામાં તજવીજ આદરવામાં આવી છે.
આ વેપન કાર્ટેલના માસ્ટર માઈન્ડ તરીકે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મીરજાપુર ગામે રહેતો શકીલ સાદીક મન્સુરી ઉપરાંત ચોટીલાનો દર્શન ઉર્ફે ગાવસ્કર અને પ્રદીપ કરપડાના નામ સામે આવતા પીસીબીએ સૌથી પહેલાં આ ત્રિપૂટીને પકડી પાડી હતી. આ પછી જયસુખ ઉર્ફે જેસો સહિતના કે જેમણે છૂટક-છૂટક હથિયાર વેચ્યા હોય તેમને પકડ્યા હતા. ત્યારબાદ હથિયાર ખરીદનાર યુ-ટ્યુબર સંદીપસિંહ પરમાર ઉપરાંત રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર, સરપંચના ભાઈ સહિતના મળી કુલ ૨૦ શખસોને પકડી એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો: છેલ્લા ૧૫ મહિનામાં એન્કાઉન્ટર-હાફ એન્કાઉન્ટરનાં ૧૮ બનાવ
દરમિયાન મંગળવારે વેપન કાર્ટેલના સકીલ સાદીક મન્સુરી પાસેથી દેશી બનાવટની પીસ્ટલ ખરીદનાર વિશાલ મેપાભાઈ ચોહલા (ઉ.વ.૨૬, રહે.બોઘરાવદર-જસદણ), પ્રદીપ અનકભાઈ કરપડા પાસેથી તમંચો ખરીદનાર ચુડાના સમગઢીયાળા ગામના પ્રતાપ ઉર્ફે શિત્તરાજ ભરતભાઈ ખાચર (ઉ.વ.૧૯) અનેઅગાઉ પકડાયેલા કિશોર ઉર્ફે ભગત વજાભાઈ કોબીયા કે જેનો ભાઈ સરપંચ છે તેના પાસેથી તમંચો ખરીદનાર ચોટીલાના ચાણપા ગામના વિજયસિંહ વજાભાઈ ગોહિલની ધરપકડ કરી દેશી બનાવટની એક પીસ્ટલ અને ત્રણ તમંચા કબજે કરવામાં આવ્યા હતા. પકડાયેલા ત્રણેય શખસો ખેતીકામ કરતા હોવાનું અને શોખ માટે જ હથિયાર ખરીદ કર્યાનું તપાસમાં સામે આવ્યું હતું.
`વેપન કાર્ટેલ’ વિરુદ્ધનું આ સમગ્ર ઓપરેશન પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા, પીએસઆઈ આર.કે.જાડેજા, પી.બી.ત્રાજિયા ઉપરાંત વિજય મેતા, યુવરાજસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા સહિતની ટીમે પાર પાડ્યું હતું.
પકડાયેલા હથિયારનું શું થશે ?
પીસીબીએ નવ દિવસમાં ૩૮ દેશી બનાવટની પીસ્ટલ અને તમંચા તેમજ ૩૨ જીવતા કાર્ટિસ કબજે કર્યા છે ત્યારે હવે આ હથિયારોનું શું થશે તે અંગે પૂછવામાં આવતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ હથિયાર મુદ્દામાલ તરીકે જમા લઈનેજેમના તેમ જ રાખવામાં આવશે. તેનો નાશ કરવા સહિતની અન્ય કોઈ કાર્યવાહી કરાશે નહીં. આ હથિયાર પડ્યા પડ્યા કાટ ખાઈ ગયા જશે. એકંદરે દારૂ કે ડ્રગ્સની જેમ હથિયારનો નિકાલ કરવામાં આવતો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.
મ.પ્રદેશના ધાર જિલ્લાના શકીલને કુખ્યાત સીકલીગર ગેંગ હથિયાર બનાવીને આપતી‘તી
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે વેપન કાર્ટેલનો માસ્ટર માઈન્ડ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો શકીલ સાદીક મન્સુરી છે. શકીલ એક એજન્ટ તરીકે કામ કરતો હતો અને તેને હથિયાર બનાવીને મધ્યપ્રદેશના ધારની કુખ્યાત સીકલીગર ગેંગ આપતી હતી. સીકલીગર ગેંગ લૂંટ-ચોરી સહિતના અસંખ્ય ગુનામાં લીપ્ત છે ત્યારે હવે પીસીબી દ્વારા ગેંગને પકડવા માટે પણ તજવીજ કરવામાં આવી રહી છે.
નવ દિવસ સુધી પીસીબી હથિયાર પાછળ તો દોડી જ સાથે સાથે દારૂ પણ પકડ્યો
વેપન કાર્ટેલના પાંચ શખસોને પકડ્યા બાદ પીસીબીએ અહીંથી જ અટકવાને બદલે ઉંડાણમાં ઉતરીને કાર્ટેલમાં સંડોવાયેલા શખસોને હથિયાર સાથે પકડ્યા હતા. એકંદરે આખીયે પીસીબી દ્વારા રાત-દિવસ એક કરીને હથિયાર ખરીદનારને શોધવામાં આવી રહ્યા હતા જે મહેનત થકી જ ૩૮ હથિયાર, ૩૨ કાર્ટિસ તેમજ ૨૦ આરોપી પકડાઈ શક્યા છે. જો કે આ દરમિયાન પીસીબીએ દારૂના પણ ત્રણ દરોડા પાડ્યા હતા.
