ગાંધીનગર-આણંદમાં દુષ્કર્મના આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર: આટકોટના દુષ્કર્મના આરોપીને પગમાં ગોળી મારી
આણંદ જિલ્લાના વાસદ ગામે ૪ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી રેલવે ટે્રક પર ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા નરાધમને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારી ૪ વર્ષની બાળકીને ૨૪ કલાકમાં જ પોલીસે ન્યાય અપાવી દીધો છે ત્યારે પોલીસ પાર્ટી પર હુમલા કરવાની ઘટનાઓ અવિરતપણે પ્રકાશમાં આવતી હોય છે જેમાં છેલ્લા પાંચ માસમાં પોલીસ પર હુમલો થતાં સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હોય તેવી આ સાતમી ઘટના છે. જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં આવી ૧૮મી ઘટના હોવાનું જાણવા મળ્યું છે. બિહારની માફક ગુજરાતમાં ગુંડાગીરીએ માઝા મુકી છે જેમાં છેલ્લા દોઢ વર્ષમાં પોલીસને સ્વબચાવ માટે ફાયરિંગ કરવા પડ્યા હોય તેવી દોઢ ડઝન જેટલી ઘટના પ્રકામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની પાંચ ઘટના છે.
રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ગુનાખોરીએ માઝા મુકી છે. ખાખીનો જાણે કોઈ જ ખોફ ન હોય તે રીતે શેરીઓ-ગલીઓમાં બની બેઠેલા ગાંઠિયાદાદાઓ જાહેર જનતામાં ખોફ ફેલાવી રહ્યા છે એટલું જ નહીં કહેવાતા દાદાઓ પોલીસ પાર્ટી પર પણ હુમલો કરતા અચકાતા નથી.
ગઈકાલે આણંદ જિલ્લાના વાસદ ગામે ૪ વર્ષની બાળકીના રેપ-હત્યા કેસના આરોપી સુરેશ પરમારની પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ ઉલ્ટીનું બહાનું કરી બે પોલીસ જવાનને છરીના ઘા ઝીંકી નાસવાનો પ્રયાસ કરતા પોલીસ મુઠભેડમાં નરાધમ આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
આ પણ વાંચો: લોકમેળાના ફોર્મ ઉપાડવામાં ભારે ઘસારો: બે દિવસમાં ૧૫૦થી વધુ ફોર્મ ઉપડી ગયા
જ્યારે ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે બાળકી પર દુષ્કર્મ આચરનાર આદિવાસી આરોપીની પોલીસે ધરપકડ કરી વાડીએ ઘટના સ્થળનું પંચનામું કરવા ગયા હતા ત્યારે આરોપીએ પોલીસ જવાન પર ધારિયા વડે હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બે પીએસઆઈએ સ્વબચાવમાં આરોપીના બન્ને પગમાં ગોળી મારી હાફ એન્કાઉન્ટર કર્યું હતું.
આ ચકચારી કેસમાં પોલીસે તાત્કાલીક ચાર્જશીટ રજૂ કરી આરોપી સામે ડે ટુ ડે કેસ ચલાવતા અદાલતે નરાધમ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
જ્યારે રાજકોટના ગોંડલ રોડ પર વેલનાથપરામાં દેવીપૂજક સમાજ દ્વારા પશુબલી ચડાવતા હોવાની માહિતી પરથી વિજ્ઞાન જાથા અને પોલીસ ટીમ પશુબલી અટકાવવા ઘટનાસ્થળે પહોંચી ત્યારે દેવીપૂજક સમાજના ૧૫૦થી ૨૦૦ માણસોના ટોળાએ એએસઆઈ પર હુમલો કરતાં તેમને બચાવવા માટે પોલીસ ઈન્સ્પેક્ટરને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત તાજેતરમાં સોમનાથ-વેરાવળ કોળીવાડમાં જુગારની રેડ કરવા ગયેલી એસએમસીની ટીમ પર ટોળાએ હુમલો કરતા પીએસઆઈ સીસોદીયાએ સ્વબચાવમાં ટોળા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
૨૦૨૫માં બનેલી ઘટના
૧૯ મે, રાજકોટ ગેરકાયદેસર પશુબલિ અટકાવવા ગયેલી પોલીસ ટીમ પર કથિત રીતે હુમલો થતાં, દેવીપૂજક સમુદાયના લોકોને વિખેરવા પોલીસે ગોળીબાર કર્યો હતો.
૧૭ ઓગસ્ટ, વલસાડ: હત્યાના આરોપી અશફાક શેખ ધરપકડથી બચવા માટે પોલીસ પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
૧૨ સપ્ટેમ્બર, અમદાવાદ: ખંડણીનો આરોપી સંગ્રામસિહ સિકરવાર પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
૨૪ સપ્ટેમ્બર, ગાંધીનગર: દુષ્કર્મ અને હત્યાનો આરોપી વિપુલ પરમાર પોલીસની સર્વિસ રિવોલ્વર છીનવીને ગોળીબાર કરતા પોલીસ ફાઇરિગમાં માર્યો ગયો હતો.
૬ નવેમ્બર, નવસારી: ૧૫ ગુનાઓમાં વોન્ટેડ હિસ્ટ્રીશીટર સલમાન મિર્ઝા ધરપકડથી બચવા પોલીસ પર હુમલો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
૮ ડિસેમ્બર, અમદાવાદ: મોઇનુદ્દીન બાદશાહને કોર્ટમાં રજૂ કરતી વખતે થયેલી બબાલ દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો હતો.
૧૦ ડિસેમ્બર, રાજકોટ ગ્રામ્ય: દુષ્કર્મનો આરોપી રામસંગ સકાડિયાએ ધારદાર હથિયાર વડે પોલીસ પર હુમલો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
૧૬ ડિસેમ્બર, સુરત: ડબલ મર્ડરના આરોપી શિવકાંત યાદવ ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ પર પથ્થરમારો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
૨૦ ડિસેમ્બર, ગાંધીનગર: દુષ્કર્મના આરોપી રમનિત યાદવે ક્રાઇમ સીન રિક્નસ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
૩૦ ડિસેમ્બર, દાહોદ: દારૂના કેસનો આરોપી અશોક પંવાર ધરપકડથી બચવા માટે પોલીસ પર હુમલો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
૩૦ ડિસેમ્બર, સુરેન્દ્રનગર: પંચનામા દરમિયાન દિવ્યરાજસિહ બોરાણા નામના આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
૨૦૨૬માં બનેલી ઘટના
૧૩ માર્ચ,અરવલ્લી: સ્ટેટ મોનિટરિગ સેલની ટીમ રાજસ્થાનથી સુખલાલ જાટને લાવી રહી હતી ત્યારે તેણે પોલીસ પર હુમલો કરતા પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો.
૭ મે, દેવભૂમિ દ્વારકા: ધાર્મિક શોભાયાત્રા દરમિયાન કથિત રીતે પથ્થરમારો કરનાર ટોળા પર પોલીસે ગોળીબાર કર્યો હતો.
૮ મે, સુરત ગ્રામ્ય: હથિયાર રિકવરી ઓપરેશન દરમિયાન છુપાવેલી પિસ્તોલ વડે પોલીસ પર હુમલો કરનાર સુભાષ ઠાકુર પર પોલીસે ગોળીબાર કર્યો હતો.
૧૧ મે, સુરત શહેર: હત્યાનો આરોપી રાહુલકુમાર જોગીએ ધરપકડથી બચવા પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં તેને ગોળી મારી હતી.
૨૫ જૂન, અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ પર હુમલો કરનાર હત્યાના આરોપી ધમા બારડ પર ગોળીબાર કર્યો હતો.
૧૦ જુલાઈ-૨૦૨૬, સોમનાથ-વેરાવળ કોળીવાડમાં જુગારના દરોડા વખતે ટોળાએ એસએમસી પર હુમલો કરતા સ્વબચાવમાં પીએસઆઈ સીસોદીયાએ ટોળા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
૨૦ જુલાઈ, આણંદ: દુષ્કર્મ અને હત્યાનો આરોપી સુરેશ પરમાર છરી વડે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે એન્કાઉન્ટરમાં તેને ઠાર કર્યો હતો
