રાજકોટમાં મીની વાવાઝોડું : રેસકોર્સ રિંગરોડ, લીમડા ચોક, સુભાષનગર, સિવિલ હોસ્પિટલ બ્રિજ પાસે વૃક્ષ-હોર્ડિંગ ધરાશાયી
રાજકોટમાં ગુરૂવારે સમી સાંજે અચાનક જ ભારે પવન સાથે મિનિ વાવાઝોડું ફૂંકાઈ જતાં લોકોમાં ગજબનો ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. બીજી બાજુ થપ્પડ મારતી હોય તેવી હવાને કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વૃક્ષ અને હોર્ડિંગ તૂટી પડ્યાના બનાવો પણ એટલા બન્યા હતા. રેસકોર્સ રિંગરોડ, લીમડા ચોક, સુભાષનગર, સિવિલ હોસ્પિટલ બ્રિજ, મવડી પોલીસ હેડ ક્વાર્ટર, સર્કિટ હાઉસ પાસે, રાજકુમાર કોલેજ પાસે, સુભાષનગર-3 સહિતના વિસ્તારોમાં વૃક્ષ અને હોર્ડિંગ ધડામ દઈને જમીનદોસ્ત થઈ જતાં ફાયરબ્રિગેડ સતત દોડતું રહ્યું હતું.

બીજી બાજુ હવાની થપાટ લાંબા સમય સુધી યથાવત રહેતાં એક બાદ એક વિસ્તારમાં વૃક્ષ-હોર્ડિંગ પડી રહ્યાની ફરિયાદોનો ઢગલો થવા લાગતાં ફાયર બ્રિગેડના સ્ટાફને લાં…બી કસરત કરવી પડી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત મહાપાલિકાની એસ્ટેટ બ્રાન્ચે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવાયેલા હોર્ડિંગની સ્ટ્રક્ચરલ મતલબ કે તે ફિટ છે કે નહીં તેની ચકાસણી કરી હોવાનું ડિંડવાણું ચલાવ્યું હતું પરંતુ જો ખરેખર આવી કોઈ ચકાસણી થઈ હોય તો પછી પત્તાના મહેલની માફક આ રીતે હોર્ડિંગ ધરાશાયી થાય જ કઈ રીતે તેવો પ્રશ્ન પણ શહેરીજનો ઉઠાવી રહ્યા છે. શું એસ્ટેટ બ્રાન્ચ દ્વારા હવાને કારણે જે હોર્ડિંગ ધરાશાયી થયા તે ફિટ હશે તેવું માનીને ઉતારવામાં આવ્યા નહીં હોય કે પછી બીજું કોઈ કારણ હશે તેવા પ્રશ્નો પણ ઉઠ્યા વગર રહેતાં નથી.

