NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
13 જૂન 2026નો દિવસ ભારતીય સેનાના 94 વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા મહિલાઓ માટે ખુલ્યા બાદ પહેલી બેચની 14 દીકરીઓએ 4 વર્ષની આકરી તાલીમ પૂરી કરીને આજે સત્તાવાર રીતે દેશની વર્દી પહેરી. દેહરાદૂન IMA અને હૈદરાબાદ ડુંડીગલમાં થયેલી પાસિંગ આઉટ પરેડે માત્ર કેડેટ્સને જ નહીં, આખા ભારતને ગર્વથી ભરી દીધું. ‘ભારત માતા, તેરી કસમ’ના નારાની ગર્જના વચ્ચે જ્યારે આ દીકરીઓએ લાસ્ટ સ્ટેપ લીધો, ત્યારે નારીશક્તિનો નવો સૂર્યોદય થયો.
દેશને આજે કુલ 746 નવા સૈન્ય અધિકારીઓ મળ્યા. જેમાં સૌથી ખાસ વાત એ છે કે NDAમાંથી પાસ આઉટ થયેલી પહેલી મહિલા બેચની 14 કેડેટ્સે કમિશન મેળવ્યું.
IMAમાં 9 દીકરીઓએ રચ્યો ઇતિહાસ
1 ઓક્ટોબર 1932એ સ્થપાયેલી દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમીએ 94 વર્ષ બાદ પહેલીવાર મહિલા કેડેટ્સને થલસેનાના અધિકારી તરીકે વિદાય આપી. IMAમાંથી કુલ 515 કેડેટ્સ પાસ આઉટ થયા, જેમાં NDAની પહેલી બેચની 9 મહિલા કેડેટ્સે પુરુષ કેડેટ્સ સાથે ખભેથી ખભો મિલાવીને ચેટવુડ બિલ્ડિંગ સામે ડ્રિલ સ્ક્વેર પર કદમતાલ કર્યા. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર વાલીઓની આંખ ભીની થઈ ગઈ. પરેડના સાક્ષી બનવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ખાસ દેહરાદૂન પહોંચ્યા હતા.
આ પણ વાંચો: આસામમાં લેન્ડિંગ વખતે IAFનું AN-32 કાર્ગો વિમાન ક્રેશ, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
એરફોર્સને મળી 5 મહિલા પાઇલટ
હૈદરાબાદની ડુંડીગલ એરફોર્સ એકેડમીમાંથી 231 ફ્લાઇટ કેડેટ્સ પાસ આઉટ થયા. જેમાં NDA બેચની 5 દીકરીઓએ વાયુસેનાની વર્દી ધારણ કરી. અહીં રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા.
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુલ્યો માર્ગ
અગાઉ મહિલાઓ NDAમાં જોડાઈ શકતી ન હતી. જૂન 2022માં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ઓગસ્ટ 2022માં મહિલાઓની પહેલી બેચે NDAમાં પ્રવેશ મેળવ્યો. 3 વર્ષ NDA + 1 વર્ષ IMA/એરફોર્સ એકેડમીની કપરી ટ્રેનિંગ બાદ આ 14 દીકરીઓ આજે આર્મી અને એરફોર્સની ઓફિસર બની.
રાષ્ટ્રપતિનું ગૌરવભર્યું નિવેદન
કેડેટ્સને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, “આ માત્ર IMA માટે નહીં, આખા દેશ માટે ગર્વની ક્ષણ છે. તેનો અર્થ એ કે ભારતની દીકરીઓને પુરુષો સમાન હક છે અને તેઓ દેશની સુરક્ષામાં બરાબરની ભાગીદારી નોંધાવી રહી છે.”
પરેડમાં ગોલ્ડ-સિલ્વર મેડલ વિજેતા
આ શાનદાર પરેડ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા:
– ઓફિસર કેડેટ વિશાલ કુમાર: પ્રતિષ્ઠિત ‘સ્વૉર્ડ ઓફ ઓનર’ અને ગોલ્ડ મેડલથી સન્માનિત.
– ઓફિસર કેડેટ પ્રિન્સ રાજ: સિલ્વર મેડલ મેળવ્યો.
– ઓફિસર કેડેટ તેજસ ભટ્ટ: બ્રોન્ઝ મેડલના હકદાર બન્યા.
– ઓફિસર કેડેટ ઋષભ મિશ્રા: ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રથમ આવવા બદલ સિલ્વર મેડલ.
– ઓફિસર કેડેટ સંજય સિંહ: ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ બેનર’ (ઇમ્ફાલ કંપની) એનાયત કરાયું.
– ઓફિસર કેડેટ બોધરાજ થાપા: સ્પેશિયલ કમિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
– ઓફિસર કેડેટ જેફ સદી અલ્વી (બાંગ્લાદેશ): મિત્ર દેશોના કેડેટ્સમાં ‘બેસ્ટ ઓફિસર કેડેટ’નો એવોર્ડ જીત્યો.
આજે ભારતની 14 દીકરીઓએ માત્ર વર્દી જ ન પહેરી, લાખો દીકરીઓના સપનાને પાંખો આપી.
