દોસ્તીની દાસ્તાનનો દર્દનાક અંત: મિત્રના વિરહમાં બે જિગરી યારોએ માત્ર ૨૪ કલાકમાં જીવ ગુમાવ્યા
કહેવાય છે કે સાચી મિત્રતા સુખમાં ભલે અદ્રશ્ય રહે, પણ દુઃખમાં ક્યારેય સાથ નથી છોડતી. પરંતુ વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાની એક એવી કંપારી છૂટી જાય તેવી કરુણ ઘટના સામે આવી છે, જેને સાંભળીને પથ્થર દિલ માણસની આંખો પણ ભીની થઈ જાય. બિહારમાં રહેતા એક પરમ મિત્રના આત્મહત્યાના સમાચાર મળતા જ, વડોદરામાં રહેતા તેના અન્ય બે મિત્રો આ આઘાત સહન ન કરી શક્યા. માત્ર ૨૪ કલાકની અંદર જ બંને મિત્રોએ એક પછી એક મોતને વહાલું કરી લીધું. સાચી મિત્રતાનો આવો દર્દનાક અંજામ જોઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કેવી રીતે વેરવિખેર થયું મિત્ર મંડળ?
૧. પ્રથમ આઘાત: બિહારમાં મિત્રનું અવસાન
સમગ્ર ઘટનાની શરૂઆત બિહારથી થઈ હતી. વડોદરામાં રહેતા યુવાનોના એક પરમ મિત્રએ પાંચ દિવસ પહેલા બિહારમાં કોઈ કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર મળતા જ વડોદરામાં રહેતા તેના મિત્રો આઘાતમાં સરી પડ્યા હતા.
૨. દ્વિતીય આઘાત: રવિશંકરે ટ્રેન નીચે પડતું મૂક્યું
બિહારના મિત્રના જવાથી ૨૬ વર્ષીય રવિશંકરકુમાર રાજકુમાર પ્રસાદ (મૂળ રહે. બિહાર, હાલ રહે. જશોદા કોલોની, મકરપુરા) એટલો બધો ભાંગી પડ્યો હતો કે તે સતત સોશિયલ મીડિયા પર દર્દભરી પોસ્ટ મૂકતો હતો. ગુરુવારે બપોરે તેણે મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે ઝંપલાવી દીધું, જેમાં તેનું માથું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ પર રવિશંકરની અંતિમ પોસ્ટ:
“તેરે પાસ બહુત જલદી આતા હું. સબ લોગ મુજે માફ કર દેના. મેરી માતા કા ખયાલ કોન રખેગા.”
૩. તૃતીય આઘાત: રવિશંકરના મોતના ગમમાં વિકાસનો આપઘાત
હજુ તો રવિશંકરના મોતના આઘાતમાંથી પરિવાર અને સોસાયટી બહાર આવ્યા નહોતા, ત્યાં શુક્રવારે સવારે વધુ એક કમકમાટીભર્યા સમાચાર આવ્યા. રવિશંકરનો પાકો મિત્ર અને તેની સાથે જ મકરપુરા GIDCમાં નોકરી કરતો ૨૩ વર્ષીય વિકાસ પ્રસાદ પોતાના જિગરી દોસ્તના મોતનો સદમો સહન ન કરી શક્યો. તેણે શુક્રવારે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.
સમગ્ર પંથકમાં ભારે શોક અને પોલીસ તપાસ
એક જ મિત્ર વર્તુળના ત્રણ-ત્રણ આશાસ્પદ યુવાનોના મોતના પગલે મકરપુરાની જશોદા કોલોની અને મૃતકોના વતનમાં ભારે આક્રંદ અને માતમનો માહોલ છવાઈ ગયો છે. આસપાસના લોકો પણ આ કરુણ અંજામ જોઈને સ્તબ્ધ છે. હાલમાં મકરપુરા પોલીસ અને રેલવે પોલીસ આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
