BZના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આલીશાન ફાર્મ હાઉસ અને જમીનો
82 કરોડમાં કોલેજ ખરીદી પણ 26 કરોડ સ્વાહા!!!!
સી.આઈ.ડી. ક્રાઈમે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી : તપાસનો ધમધમાટ : ૭ની ધરપકડ
ગુજરાતમાં BZ ગ્રુપનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે. વર્ષ 2021થી ઓફિસ ખોલીને રોકાણો મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે કર્યો છે.
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપી એવા ભાજપ કાર્યકર્તા ભુપેન્દ્ર સિંહ ઝાલા હાલ ફરાર છે, ત્યારે પોલીસ તેમના નિવાસ સ્થાનથી લઇને વિવિધ જિલ્લામાં તપાસ કરી રહી છે.
અરવલ્લી જિલ્લામાંથી મળી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો
BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અંદાજિત 6000 કરોડનું કૌભાંડ આચાર્ય બાદ દિવસેને દિવસે નવા ખુલાસા થઇ રહ્યા છે. તપાસમાં અરવલ્લી જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરોડો રૂપિયાની મિલકતો સામે આવી છે જેમાં એક બિનખેતી જમીન અને એક આલીશાન ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે. મોડાસાના લીંભોઈ ગામ પાસે અંદાજીત 3 કરોડની કિંમતનું આલીશાન ફાર્મહાઉસ મળી આવ્યું છે. આ ફાર્મ હાઉસ ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે નોંધાયેલ છે. આલીશાન ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન, મોટા મોટા બેડ રૂમ અને મોંઘુદાટ ફર્નિચર છે.
ભુપેન્દ્ર ઝાલાએ અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ગામે કરોડોની જમીન ઉપરાંત સાકરીયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નં 382ની જમીન ખરીદી હતી. આ જમીન 13485 ચોમી છે જેને ખરીદી તાત્કાલિક એનએ કરાવવામાં આવ્યું હતું. ભુપેન્દ્ર પરબત ઝાલાના નામે પંચાયતની મિલકતમાં નોંધ પડાવી છે.
7 આરોપીઓની ધરપકડ, એજન્ટના રિમાન્ડ મંજૂર
કરોડો રૂપિયાના કૌભાંડ મામલે 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. એક એજન્ટ સહિત BZના સ્ટાફની CID ક્રાઇમે ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જયારે અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CID ક્રાઇમે મયુર દરજી સહિત સાત આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
કૌભાંડ પકડાતા ભાજપે છેડો ફાડ્યો
સાબરકાંઠા – અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા થયેલ કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે છે. દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમયે ભાજપનો સભ્ય બન્યો હશે. ભાજપમાં કોઈ હોદ્દો ભુપેન્દ્રસિંહ ઝાલા ધરાવતો નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્યો અને મંત્રીઓને જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા હતા એ સમયે કોઈ ગુન્હામાં સંડોવાયેલ નહોતો. પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે’
કાર ગિફ્ટ મેળવનાર એજન્ટો ગાયબ, રોકાણકારોનું મૌન
BZ કંપનીમાં મર્સિડીઝ કાર ગિફ્ટ મેળવનાર બંને એજન્ટો હાલ ગાયબ છે. પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ-સંચાલકો પણ ગાયબ છે. એકાએક એજન્ટો ગાયબ થતાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. રોકાણકારો છેતરાયા હોવાનો અહેસાસ છતાં હજુ સુધી મૌન છે. સીઆઈડી તપાસમાં પૂછપરછ થવાના ડરે રોકાણકારો મૌન હોવાનું માનવામાં આવી રહ્યું છે. BZ કંપનીમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તથા ડોક્ટરો મોટા રોકાણકારો હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાનું નામ જાહેર થવાના ડરે ચૂપ છે. તેમને ડર છે કે તપાસનો રેલો તેમના સુધી પહોંચી જશે તો ઈન્વેસ્ટ કરેલા નાણાં ક્યાંથી આવ્યા તેનો પણ હિસાબ આપવો પડશે.
કોલેજ ખરીદી પણ રૂપિયા બાકી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલ ગ્રોમોર કોલેજને થોડા સમય પહેલા જ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હતી. જેનું નામ બદલીને BZ ગ્લોબલ કેમ્પસ કરી દેવાયું હતું. આ કોલેજની ડીલ 82 કરોડમાં થઇ હતી પરંતુ હજુ સુધી તેમાંથી બાકીના 26 કરોડ મૂળ માલિકોને આપ્યા નથી. ગ્રોમોર કોલેજમાં જુના 6 ટ્રસ્ટી હતા જેમને આ ડીલ બાદ રાજીનામુ આપી દીધું હતું અને ત્યારબાદ આ ટ્રસ્ટમાં BZ ગ્રુપના 3 લોકોની એન્ટ્રી થઇ હતી. ગ્રોમોર કેમ્પસમાં પણ સીઆઇડી ક્રાઈમનું સર્ચ ચાલ્યું હતું. સર્ચ બાદ દસ્તાવેજ સહિત મહત્વના દસ્તાવેજોને સીઆઇડીએ જપ્ત કર્યા છે. ગ્રોમોરના સ્ટાફને સાથે રાખી સર્ચ હાથ ધરાયુ હતું.