કેજરીવાલે બનાવેલ શીશ મહેલ પર્યટન સ્થળ બનશે : દિલ્હીના બજેટમાં જાહેરાત
દિલ્હીના બજેટમાં જાહેરાત : મહિલાઓને દર મહિને રૂપિયા ૨૫૦૦ આપવા માટે રૂપિયા ૫૧૦૦ કરોડની ફાળવણી
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સુવિધાઓ પર રહેશે. કેજરીવાલ દ્વારા બનાવાયેલ બદનામ શીશ મહેલને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરાશે.
ગુપ્તાએ કહ્યું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક છે. આ કોઈ સામાન્ય બજેટ નથી. દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે. આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે. દિલ્હીનું બજેટ છે જે છેલ્લા દસ વર્ષથી ખરાબ હાલતમાં છે. આ વખતે દિલ્હી સરકારનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા 31.5 ટકા વધુ છે.’
દિલ્હીના બજેટમાં મહિલાઓ માટેની સમૃધ્ધિ યોજના માટે 5100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ગરીબ મહિલાઓને દર મહિને રૂપિયા ૨૫૦૦ મળશે. ચુંટણીમાં ભાજપ દ્વારા આ વચન આપવામાં આવ્યું હતું. માતૃત્વ યોજના માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ‘પર્યટન, કલા, ભાષા અને સંસ્કૃતિ માટે 117 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પાછલા બજેટ કરતાં બમણું છે. સોનિયા વિહારમાં બોટિંગ કરવામાં આવશે. નવી પેઢીને દિલ્હી સાથે જોડવા માટે 25 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેના માટે 30 કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યટન સ્થળમાં શીશમહેલને સમાવવામાં આવશે.’