મોરબીમાં તીર્થક પેપરમિલ ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સના દરોડા : 35 જેટલી જગ્યાઓ પર અધિકારીઓએ તવાઈ બોલાવી
આજે સવારથી જ મોરબી, અમદાવાદ,અને મેહસાણામાં આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં જાણીતા રાધે ગ્રુપ, અને મોરબીના સોહમ અને તીર્થક પેપર મિલ પર દરોડાની કામગીરી શરૂ કરી છે આ ઉપરાંત આ ગ્રુપ સાથે સંકળાયેલા 35 જેટલી જગ્યાઓ પર 100 થી વધુ અધિકારીઓ તવાઈ ઉતારી છે. આ ઓપરેશન લાંબુ ચાલે તેવી સંભાવના છે. ઇન્કમટેક્સની રેડથી કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઉપરાંત આ ઘટનાને લઇ પોલીસ બંદોદસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે હાલ ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ ચાલુ છે.
મહેસાણામાં રાધે ગ્રુપમાં આઇટીના દરોડા
મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની ટીમે દરોડા પાડ્યા છે. અંદાજે બે ડઝનથી પણ વધુ સ્થળોએ આવકવેરાની ટીમ ત્રાટકી છે. મહેસાણા, મોરબી અને અમદાવાદમાં તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પણ એક રાજકારણીના જમાઇને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોવાની ચર્ચા જાગી છે. મહેસાણાના રાધે ગ્રુપ સાથે કનેક્શનના કારણે મોરબીમાં બે સિરામિકમાં પણ આઇટી વિભાગે સર્ચ ઓપેશન હાથ ધર્યું છે.