વડોદરામાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 36 લાખમાંથી 500-500ની 16 લાખની નોટો ની જ ચોરી કરી લૂંટારુઓ ફરાર
વડોદરા શહેરમાં એચ.એમ. આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. આ કર્મચારી અલકાપુરીથી ટુ વ્હિલર લઇને જઇ રહ્યો હતો. આ દરમિયાન ભીમનાથ બ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારીના વાહનને આંતરી ઉભો રાખ્યો હતો. લૂંટારાઓએ કર્મચારીને પોલીસની ઓળખ આપીને બેગ તપાસવાના બહાને ઉભો રાખ્યો હતો. જે બાદ આ લોકો રોકડ રકમ કાઢીને ફરાર થઇ ગયો હતો. આ લૂંટારુઓ 16 લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગેની જાણ થતા જોઇન્ટ પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. હાલ પોલીસ વિવિધ પાસાઓ અંગે તપાસ કરી રહી છે.
તપાસનો ધમધમાટ
આ અંગેની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તપાસમાં જોડાયો છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. શહેરમા નાકાબંધી કરાવી છે. તો રસ્તા પરના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરુ કરી દીધી છે. હાલ પોલીસે ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે આંગડિયા પેઢીના કર્મચારીની પણ પૂછપરછ પણ કરવામાં આવી છે.
આ ઘટનામાં મોટી વાત એ છે કે, આ લૂંટારુઓ કર્મી પાસેના થેલામાં રહેલી 36 લાખની તમામ રકમ લૂંટી ન લીધી. પરંતુ તેમાંથી જે 500-500 રૂપિયાના બંડલ હતા તે જ લઇને ફરાર થઇ ગયા હતા. એટલે લૂંટારુઓએ 36માંથી માત્ર 16 લાખની જ લૂંટ કરી છે.
પોલીસની ઓળખ આપીને લૂંટ કરી
લૂંટારુઓએ આ ઘટનાની પ્રત્યક્ષદર્શી શ્રમજીવી મહિલાને પણ પોલીસની ઓળખ આપીને ધમકાવી હતી. આ મહિલા આ ઘટના બની તેની નજીક જ હતી. તેણે આ આખી ઘટના કઇ રીતે બની અને કઇ રીતે લૂંટારુઓ ભાગી ગયા તે તમામ વસ્તુઓ જોઇ હતી.