જો તંત્ર નહીં જાગે તો રાજકોટમાં `દિલ્હીવાળી’ થતાં વાર નહીં લાગે !!
રાજકોટમાં પણ સેલરની અંદર ધમધમતા હોટેલ-રેસ્ટોરન્ટ સહિતના ધંધાકીય એકમો
મોટી દૂર્ઘટના સર્જાય પછી જ જાગવા માટે ટેવાયેલી મહાનગરપાલિકા પાસે છાપ સુધારવાની તક
દિલ્હીના માલવિયાનગર વિસ્તારમાં આવેલી હોટેલમાં આગને કારણે ૨૧ લોકો ભુંજાઈ ગયા બાદ હજુ પણ અમુક લોકોની સ્થિતિ ગંભીર હોય મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાતી નથી. આ બિલ્ડિંગમાં સેલર, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પાંચ માળ હતા. સેલરમાં જ હોટેલ સંચાલક દ્વારા રસોડું તેમજ રૂમ ઉભા કરી દેવામાં આવ્યા હોય આગને કારણે અહીંથી નીકળવાનો રસ્તો જ મળ્યો ન્હોતો. આ ઘટનાએ ફરી દેશમાં ચાલતી ગેરરીતિઓની ઉજાગર કરી દીધી છે ત્યારે તેમાં રાજકોટ પણ બાકાત રહ્યું નથી. રાજકોટમાં આજની તારીખે અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કોમ્પલેક્સના સેલરમાં હોટેલ-રેસ્ટોરન્ટ સહિતના ધંધાકીય એકમો ધમધમી રહ્યા છે ત્યારે જો તંત્ર સમયસર જાગશે નહીં તો રાજકોટમાં પણ `દિલ્હીવાળી’ થતાં વાર લાગશે નહીં તેવો ભય શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. `વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં કાલાવડ રોડ, પેલેસ રોડ, કરણસિંહજી રોડ સહિતના વિસ્તારોમાં સેલરની અંદર રેસ્ટોરન્ટ તેમજ ફૂડ પાર્લર ધમધમી રહ્યાનું ધ્યાન પર આવ્યું હતું. આ જ રીતે સોની બજારમાં સેલરની જગ્યામાં ચાના થડા, પાનની કેબિનો પણ ધ્યાન ઉપર આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ સેલરનું કોમ્પલેક્સ હોય ત્યાં માત્રને માત્ર વાહન જ પાર્ક કરવાના હોય છે પરંતુ રાજકોટના અમુક કોમ્પલેક્સના સેલરમાં વાહન પાર્કિંગની જગ્યાએ રસોઈ બની રહી છે. એકંદરે મોટી દૂર્ઘટના સર્જાય પછી જ જાગવા માટે ટેવાયેલી મહાપાલિકા પાસે વ્હેલાસર જાગી પોતાની `લેટલતીફ’ની છાપ સુધારવાની તક છે સાથે સાથે મોટી દૂર્ઘટના બનતી પણ અટકાવી શકે તેમ છે પરંતુ તેના માટે `દાનત’ હોવી જરૂરી છે. કાલાવડ રોડ, પેલેસ રોડ, કરણસિંહજી રોડ સહિતના લગભગ દરેક વિસ્તારોમાં સેલર કે જ્યાં વાહન પાર્ક થવા જોઇએ ત્યાં રસોઇ બની રહી છે
આ પણ વાંચો: ૮ વખત IVF ફેલ થયા પછી ૪૫ વર્ષની ઉંમરે સરોગસીથી જોડિયા બાળકોની માતા બની સંભાવના શેઠ
સેલર માત્ર પાર્કિંગ માટે જ હોય છે,ધંધો ન કરી શકાય: ડે.ચીફ ફાયર ઓફિસર
આ અંગે ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાનો સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું હતું કે સેલર માત્ર પાર્કિંગ માટે જ હોય છે ત્યાં રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ ધંધો કરી શકાતો નથી. ફાયર વિભાગના ૩૫ જવાનોની પ્રિવેન્ટીવ ટીમ આ પ્રકારના કોમ્પલેક્સનું ચેકિંગ કરે છે અને ત્યાં ફાયર સેફ્ટીના સાધન ન હોય તો નોટિસ આપી સાત દિવસ બાદ ફરી ચેકિંગ કરે છે. જો કે સેલરનો હેતુફેર કરી ધંધો શરૂ કરી દેવામાં આવ્યો હોય તો તે બંધ કરાવવાની જવાબદારી ટાઉન પ્લાનિંગ વિભાગની છે.
