ભારે કરી! રાજકોટમાં લાંચ લેતા પકડાયેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર મારુએ નોકરી મેળવવામાં પણ ગોલમાલ કર્યાનો ધડાકો
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સળગી રહેલા ફાયરબ્રિગેડ વિભાગમાં ભુજથી મુકાયેલા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનીલકુમાર બેચરભાઈ મારુ ગત ઓગસ્ટ 2024માં લાંચ લેતા ઝડપાઇ ગયા બાદ તેમની સામે કેસ ચલાવવા માટે એસીબીએ પ્રોસિક્યુશન ચલાવવા મંજૂરી માંગતા ભુજ નગરપાલિકાના સત્તાધીશોએ સસ્પેન્ડેડ અનિલ મારુ વિરુદ્ધ જનરલ બોર્ડમાં ઠરાવ કર્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ લાંચ કેસમાં ફસાયેલા અનિલ મારુંએ નોકરી મેળવવા રજુ કરેલા પ્રમાણપત્રમાં પણ ગોલમાલ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : રસ્તામાં ખાડા પડ્યા કે પછી ખાડે ગયું છે રાજકોટ શહેર ! બાઇક ખાડામાં ખાબકે, કારમાં બેઠેલાની કમર તૂટે અને પગપાળા જતા લોકોના પગ મચકોડાઈ

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવતા તેમના સ્થાને ભુજ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને રાજકોટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા. જો કે, રાજકોટમાં ટીઆરપી કાંડ બાદ ફાયર એનીઓસીનો પ્રશ્ન સળગી રહ્યો હોવા છતાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનીલકુમાર મારુએ ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરતા આસામી પાસેથી એનઓસીના બદલામાં 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ 1.20 લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીના 1.80 લાખ રૂપિયા ચાર-પાંચ દિવસમાં આપી જશે તેમ કહી જામનગર એસીબીનો સંપર્ક કરતા એસીબી દ્વારા મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફીસરની કચેરી ખાતે છટકું ગોઠવી 12 ઓગસ્ટ 2024ના રોજ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ મારુને રૂ.1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

બીજી તરફ એન્ટી કરપશન બ્યુરો દ્વારા લાંચ કેસમાં પકડાયેલા અનીલકુમાર બેચરભાઈ મારૂં વિરુદ્ધ પ્રોસિક્યુશન ચલાવવા માટે મંજૂરી માંગતા પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચેરીના માર્ગદર્શન અન્વયે ભુજ નગરપાલિકા દ્વારા ચીફ ફાયર ઓફિસર અનીલકુમાર મારુ સામે પ્રોસિક્યુશન ચલાવવા જનરલ બોર્ડમાં ઠરાવને મંજૂરી આપી ચીફ ફાયર ઓફિસરને સતા આપતો ઠરાવ ગત તા.18જૂનના રોજ કર્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અનીલકુમાર મારુએ નોકરી મેળવવા માટે રજૂ કરેલા પ્રમાણપત્રમાં જન્મતારીખ અંગે વિસંગતતા રહેલી હોય તે દિશામાં પણ તાપસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.