- ‘ક્વોલિટી કેસ’ની વ્યાખ્યામાં સુધારો કરતો ગૃહ વિભાગ: અગાઉ ૫૦૦ લીટર દેશી પકડાય એટલે ૨૦ લેખે ૧૦,૦૦૦ અને ૫૦ લેખે ૨૫,૦૦૦ ગણાતા હવે સીધા એક લાખ ગણાશે
- ક્રાઈમ બ્રાન્ચ, સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતની એજન્સીઓ દરોડા પાડશે એટલે સીધી સ્થાનિક પોલીસની કાર્યક્ષમતાની લેવાશે નોંધ
વોઈસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ સહિત આખા રાજ્યમાં એક દૂષણ ક્યારેય અટકી શક્યું નથી અને કદાચ અટકે તેવું લાગી પણ રહ્યું નથી. આ દૂષણનું નામ છે દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ…! દરરોજ મોટાપાયે દેશી દારૂ સાથે તેનું વેચાણ કરનાર પકડાય છે અને ગણતરીના કલાકોમાં જામીન પર છૂટીને ફરી એ જ ધંધે લાગી જાય છે. જો કે અત્યાર સુધી કોઈ વિસ્તારમાંથી દેશી દારૂ પકડાય એટલે તેની પ્રતિ લીટર કિંમત ૨૦ અથવા તો ૫૦ રૂપિયા ગણવામાં આવતી હતી જેથી કરીને ૧૦૦-૨૦૦ લીટર દેશી દારૂ પકડાય તો પણ તેને `ક્વોલિટી કેસ’ મતલબ કે ગણનાપાત્ર કેસ ગણી શકાતો ન્હોતો. જો કે હવે તેમાં ગૃહ વિભાગે ફેરફાર કરીને દેશી દારૂનો એક લિટરનો ભાવ ૨૦ કે ૫૦ નહીં બલ્કે ૨૦૦ કરવાનો પરિપત્ર પ્રસિદ્ધ કરતાં આ પરિપત્ર અત્યારે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
અગાઉ એવો નિયમ હતો કે ક્રાઈમ બ્રાન્ચ, સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતની એજન્સી દરોડો પાડીને ૧૫,૦૦૦ સુધીનો દેશી દારૂ પકડે તો તેને ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો. મતલબ કે ૧૫,૦૦૦થી ઉપરનો દારૂ પકડાય એટલે સ્થાનિક પોલીસની જવાબદારી ફિક્સ થતી હતી પરંતુ દેશી દારૂનો ભાવ ૨૦ કે ૫૦ જ હોવાથી બહુ જૂજ સંખ્યામાં જ દેશી દારૂના ક્વોલિટી કેસ થતા હતા કેમ કે દેશીનું ઉત્પાદન કરનારા બૂટલેગરો સમજી-વિચારીને જ ૧૦૦થી ૨૦૦ લીટર દારૂ જ બનાવીને વેચતા હતા જેથી કરીને ક્વોલિટી કેસ ન થાય.
આવું જ કંઈક વિદેશી દારૂમાં પણ હતું. અગાઉ ૨૫,૦૦૦ સુધીનો વિદેશી દારૂ પકડાય એટલે તેને ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો પરંતુ હવે તેમાં વધારો કરીને અઢી લાખ રૂપિયા કરવામાં આવ્યો છે મતલબ કે અઢી લાખની કિંમતનો માત્ર વિદેશી દારૂ અથવા તો નશીલા પદાર્થ પકડાશે તો જ તેને ક્વોલિટી કેસ ગણાશે અને તેના આધારે સ્થાનિક પોલીસની જવાબદારી ફિક્સ કરીને કાર્યવાહી કરવામાં આવશે.