પશ્ચિમ બંગાળના ગવર્નર બોઝ કરશે મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર
મમતાને ‘ લેડી મેકબેથ ‘ ગણાવી દીધા!
મુખ્યમંત્રી સાથે હવે કદી બેઠક નહીં કરે
પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે પોતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો બહિષ્કાર કરી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. તેમણે મમતા બેનરજીની સરખામણી ઇતિહાસના પાને અતિ મહત્વકાંક્ષી અને ક્રૂર પાત્ર તરીકે અમર થઈ ગયેલ લેડી મેકબેથ સાથે કરી નાખી હતી.
ગવર્નરે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દરેક ગામ, શહેર અને હોસ્પિટલ હિંસાથી ખદબદે છે. એ વિડંબણા છે કે આરોગ્ય મંત્રી પોતે જ ગૃહ મંત્રી છે અને ગૃહ મંત્રી મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી લોકોને સુરક્ષા આપવાને બદલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ગવર્નરે કહ્યું કે હું તેમનો સામાજિક બહિષ્કાર કરું છું. સામાજિક બહિષ્કાર એટલે કે હું હવે કદી મમતા બેનર્જી સાથે કોઈ બેઠક નહીં કરું કે એમની સાથે મંચ પર બેસીશ નહીં. તેમણે એક વીડિયો દ્વારા આ સંદેશો આપ્યો હતો અને વધુમાં જણાવ્યું કે ,”બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ હું તેમની સામે સક્રિય પગલાં લઈશ. રાજ્યપાલ તરીકેની મારી ભૂમિકા બંધારણીય જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે.”
રાજ્યપાલના આ નિર્ણયના ઘેરા પડઘા પડ્યા છે. ટીએમસી ના પ્રવક્તા કુણાલ ઘોષએ કહ્યું કે બંધારણીય પદ પર બેઠેલા રાજ્યપાલ આવી વાત ન કરી શકે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી લોકોના મતથી ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. તેમનું આ રીતે અપમાન ન કરી શકાય. તેમણે ઉમેર્યું કે ખુદ મમતા બેનરજી એ જ પહેલેથી જ ગવર્નર સાથે અંતર બનાવી રાખ્યું છે.