ધંધુકા સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસની મુલાકાત લેતા વન મંત્રી મુળુભાઈ બેરા
આ સ્થળે ઝવેરચંદ મેઘાણીને વિશેષ અદાલતમાં રજૂ કરાયા હતા
78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસની મુલાકાત ગુજરાત સરકારના સંસ્કૃતિ-પ્રેમી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ લીધી હતી.
આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં 15 શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ અને તેના પરિસરનો રૂ. પાંચ કરોડના ખર્ચે સુયોગ્ય રીતે ભવ્ય સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, લોકગાયક અભેસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ અને મહામંત્રી તુષારભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા, એપીએમસી પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ અને ડિરેકટર ભૂપતસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્ય વિજયસિંહ બારડ, પ્રધુમનસિંહ ચુડાસમા (ધોલેરા), પ્રાંત અધિકારી પ્રતિકભાઈ કુંભાણી, મામલતદાર વિજયભાઈ ડાભી, ગુજરાત રાજ્યના ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક અમિતાબેન દવે અને લલિતભાઈ મોઢ, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના જનરલ મેનેજર અજિતભાઈ જોષી, નાયબ વન સંરક્ષક ડૉ. પ્રિયંકાબેન ગહેલોત, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક્ષાબેન ચૌધરી (ધંધુકા) અને આર. એન. મોરી (ધોલેરા), માર્ગ અને મકાન વિભાગ – પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર એચ. કે. પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, મંત્રી મુળુભાઈ બેરાના અંગત સચિવ કલ્પેશભાઈ ભટ્ટ, સોહેલભાઈ સૈયદ, આકાશભાઈ પ્રજાપતિ, આર. ડી. પરમાર, આકાશભાઈ તન્ના, વિપુલભાઈ સાવલીયા, ધર્મેશભાઈ સોજીત્રા, રાજેશભાઈ પટેલ, રમેશભાઈ અને દર્શન બદ્રેશિયા, જ્ઞાનદેવસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ મંત્રી મુળુભાઈ બેરાએ લાગણીભેર અંજલિ અર્પી હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત વિવિધ સ્મૃતિ-સ્થળોને વિકસાવવા બદલ પિનાકી મેઘાણીએ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી મુળુભાઈ બેરાનો હ્રદયથી આભાર માન્યો હતો.