સારા વરસાદની લાલચે ઓણ સાલ પણ ખેડૂતોએ મગફળી, કપાસ, ડાંગરનું કર્યું વાવેતર
વરસાદ ખેંચાતા મોંઘા ભાવના બિયારણ ફેઇલ જવાની દહેશત
ગત વર્ષે જૂન મહિનામાં રાજ્યના 88% વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પડ્યો’તો
દેશમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સમયસર નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી પરંતુ આ ખુશી ક્ષણિક નીવડી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ સારા અને સમયસર વરસાદની લાલચમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતોએ જુગાર રમી આગોતરી વાવણી કરી દીધા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
એક જૂને કેરળમાં નૈઋત્ય ચોમાસાએ દસ્તક દીધા બાદ અલનીનોની અસર શરૂ થઈ જતાં દરિયામાંથી કરંટ ગાયબ થઈ ગયો છે અને પવનની દિશા પણ ફરી જતાં વરસાદી સિસ્ટમ જ ખોરવાઈ ગઈ છે જેના કારણે કરંટથી ચોમાસુ આગળ વધ્યું નથી.
આ પણ વાંચો: પાક ફરીવાર ભારત વિરુધ્ધ શું કાવતરા કરે છે, શું થયું ? વાંચો
દર વર્ષે 10 જૂનથી 15 જૂન વચ્ચે ચોમાસુ મુંબઈ આવી પહોંચે છે ત્યારબાદ ચોમાસાના ગુજરાતમાં વિધિવત પ્રવેશ થાય છે પરંતુ આ વર્ષે હજુ સુધી મુંબઈમાં જ કોઈ વરસાદી એંધાણ વરતાઈ નથી રહ્યા.
બીજી બાજુ ખેડૂતોએ સારા વરસાદની અને સમયસર વરસાદની આશામાં સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના મોંઘા બિયારણ ખરીદી આગોતરી વાવણી કરી દીધી છે તો ગુજરાતમાં ખેડૂતોએ કોરાધાકડ ખેતરમાં ડાંગરના રોપા લાવી રોપી દીધા છે.
ખેડૂતોએ આગોતરા વાવેતર કરી દીધા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો તાલ સર્જાયો છે. હજુ એક સપ્તાહમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોનું મોંઘુ દાટ બિયારણ ફેઈલ થઈ જાય તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.
ગત વર્ષ 2026માં જૂન મહિનામાં સૌરાષ્ટ્ર-ગુજરાતના 88 ટકા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ વરસી ગયો હતો પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો મેઘરાજાની ચાતક પક્ષીની માફક રાહ જોઈ રહ્યા છે.
