અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામે બે દિવસ પહેલાં મેટિંગ પિરિયડમાં રહેલા સિંહ અને સિંહણના ગેરકાયદેસર વીડિયો બનાવી પજવણી કરતા યુવક પર સિંહે હુમલો કરી યુવાનને ફાડી ખાધો હતો જે ઘટનામાં જંગલખાતાએ મૃતક યુવક સહિત ત્રણ શખસો સામે વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુનો નોંધી બે મિત્રોની ધરપકડ કરી તેમના મોબાઈલ જપ્ત કરી એફએસએલમાં મોકલી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મેટિંગ પિરિયડમાં રહેલા સિંહ અને સિંહણની મસ્તીમાં યુવકોએ ખલેલ પહોંચાડી તેના વીડિયો બનાવી સિંહ યુગલની પજવણી કરી રહ્યા હોય રોષે ભરાયેલા સિંહ અમરેલીના સોહિલ મેમણ ઉર્ફે અહમદ રફીક મુંજાવર પર હુમલો કરી તેને ફાડી ખાધો હતો.
વન વિભાગે તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઈ સિંહને બેભાન કરી તેના પંજામાંથી સોહિલ મેમણનો મૃતદેહ મહામહેનતે છોડાવ્યા બાદ નરભક્ષી સિંહને પાંજરે પુરી દીધો હતો.
વન વિભાગે મૃતક યુવકના બે સાથી મિત્રો રેહાનખાન પઠાણ (રહે.અમરેલી) અને યશરાજસિંહ વાંજા (રહે.સાવરકુંડલા) સામે વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.
વન વિભાગે બન્ને મિત્રોના મોબાઈલ કબજે કરી ચકાસણી કરતા તેમાંથી ડેટા ડિલીટ કરી નાખ્યા હોય જેની તપાસ કરવા માટે મોબાઈલ જપ્ત કરી એફએસએલને મોકલી આપ્યા છે.
