ડીસા અગ્નિકાંડ : આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો, આરોપીઓએ ક્યાંથી ફટાકડા ખરીદ્યા અને કોને વેચ્યા તે અંગે તપાસ
ડીસામાં 21 શ્રમિકોનો ભોગ લેનાર દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીના માલિક ખૂબચંદ રેણુમલ મોહનાની અને તેમના પુત્ર દીપક ખૂબચંદ મોહનાનીની ધરપકડ કર્યા પછી આ પિતા-પુત્ર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. બીજી બાજુ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવાની માંગણીને લઈને કોંગ્રેસે ધરણા શરુ કર્યા છે અને કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાના સ્પીકરને પત્ર લખીને ગૃહમાં ચર્ચા માટે સમય માગ્યો છે.
દરમિયાન બુધવારે ૧૧ શ્રમિકોનાં મૃતદેહ પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા. અગ્નિકાંડ મામલે પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપીને ઈડરથી ઝડપી લઇ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. અહીના ગોડાઉનમાંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે, પોલીસને જ્યાં જ્યાંથી માલ મળ્યો ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ફટાકડાનો વેપાર કરતા હતા તેને લઈ તપાસ ચાલુ છે. સીટની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. પોલીસને એલ્યુમિનિયમ નાઈટ્રેટ પાવડરનો જથ્થો મળી આવ્યો છે અને આ પાવડર ફટાકડા બનાવવા માટે ઉપયોગ માં લેવામાં આવતો હતો.
વધુમાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘આરોપીઓના સાબરકાંઠામાં પણ ગોડાઉન છે અને આરોપીઓના કોની સાથે કનેક્શન હતા તેની તપાસ ચાલી રહી છે, આરોપીના રિમાન્ડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે. આ કેસમાં કેમિકલ સાથે સંકળાયેલા નિષ્ણાતોની મદદ લેવાશે.
કોંગ્રેસના ધરણા
સરકાર અને પોલીસની કામગીરીના વિરોધમાં વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર અને સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ સહિતના આગેવાનોએ ધરણા કર્યા હતા. વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, ‘મૃતકોના પરિવારને મૃતદેહની ઓળખ પણ કરવા દીધી નથી, કેટલાક મૃતકોના પરિવારજનો ડીસા પહોંચે તે પહેલા જ તેમના સ્વજનોના મૃતદેહ મધ્ય પ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે.’ જ્યાં સુધી પરિવારની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.