પોરબંદર-જામનગરના 54 ગામમાં છવાયો અંધારપટ્ટ
ભારે વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 382 ફિડર થયા બંધ: 338 વીજપોલનો સોંથ વળ્યો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદે લોકો માટે મુશ્કેલી સર્જી છે. ધોધમાર વરસેલા વરસાદને કારણે 54 ગામમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. જ્યારે 338 ફિડર બંધ થયા હતા. બીજી તરફ ભારે વરસાદને કારણે 338 વીજપોલનો પણ સોંથ વળી ગયો હતો. સૌથી વધારે પોરબંદર અને જામનગર પંથકમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
પીજીવીસીએલમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલને નુકસાન થવા પામ્યું હતું. પોરબંદર અને જામનગર જિલ્લામાં પડેલા ધોધામર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજપ્રવાહ બંધ થયો હતો. પોરબંદરના 36 જ્યારે જામનગરના 18 ગામમાં અંધારપટ્ટ છવાયો હતો.
બીજી તરફ રાજકોટ ગ્રામ્યના 11, પોરબંદરના 56, જામનગરના 150, જૂનાગઢના 36, ભુજના 85 અંજારના 18 અને બોટાદના 4 ખેતીવાડીના ફિડર બંધ થયા હતા. આ ઉપરાંત પોરબંદરમાં 12, જૂનાગઢમાં 1 અને જામનગરમાં 6 જ્યોતિગ્રામ ફિડર બંધ થયા હતા. ભારે વરસાદને કારણે વીજપોલનો પણ સોંથ વળી ગયો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટ ગ્રામ્યમાં 3, પોરબંદરમાં 121, જુનાગઢના 75, જામનગરમાં 112, ભુજમાં 16 અને ભાવનગરમાં 11 વીજપોલ ડેમેજ થયા હતા. વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવા માટે પીજીવીસીએલની ટેકનિકલ ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી હતી.