રાજકોટની પ્રેસની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 60 હજારનું દેણું ઉતારવા રસોયાએ 76.90 લાખની ચોરી કરાવી!
રાજકોટના રાષ્ટ્રીય શાળા પાસે આવેલા અબતક પ્રેસમાં ગત 2 જૂને રોકડ, સોના-ચાંદીના ઘરેણા મળી 76.90 લાખ રૂપિયાની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતાં જ ડીસીબી, એલસીબી, એ-ડિવિઝન પોલીસ મથકની અલગ-અલગ ટીમે ચારેય દિશામાં દોડધામ કરીને આ મસમોટી ચોરીમાં સામેલ ત્રણ શખસોને દબોચી લઈ તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો હતો. ચોરીના આ બનાવમાં અંદરનો માણસ જ ફૂટી ગયો હતો અને તેણે જ ચોરી કરાવ્યાનું સામે આવ્યું હતું. જે શખસે ચોરી કરાવી તે પ્રેસમાં એક વર્ષથી રસોયા તરીકે નોકરી કરતો હતો પરંતુ તેના ઉપર 60 હજારનું દેણું થઈ જતાં તે ઉતારવા માટે તેણે મિત્રો પાસે આ ચોરી કરાવી હોવાનું ખુલ્યું હતું.

DCPક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ACP (ક્રાઈમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ DCB પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, PSI એ.એન.પરમાર, એમ.કે.મોવલિયા, એસ.વી.ચુડાસમા સહિતની અલગ-અલગ ટીમ બનાવી તસ્કરોનું પગેરું શોધવાનું શરૂ કરાતાં આખરે પોલીસ પ્રેસમાં જ એક વર્ષથી રસોયા તરીકે કામ કરતા અર્જુનસિંગ માનસિંગ પરીયાગ (નેપાળી) સુધી પહોંચી ગઈ હતી. તેને ઉઠાવી લીધા બાદ આગવી ઢબે પૂછપરછ કરતાં અર્જુને કબૂલાત આપી હતી કે તેણે જ પ્રેસમાં મોટાપાયે રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણા પડ્યા હોવાની માહિતી તેના મિત્રો સંતોષ શંકરભાઈ થાપા અને વિનોદ શંકરભાઈ થાપાને આપી હતી.

દર પહેલી તારીખે પ્રેસના કર્મીઓનો પગાર થતો હોવાનું અર્જુન બરાબર જાણતો હોવાથી તેણે સંતોષને પ્રેસમાં ચોરી કરવા માટે કહ્યું હતું. આ પછી સંતોષે તેના સગા ભાઈ વિનોદ થાપાને ચોરી કરવા માટે તૈયાર કર્યો હતો. વિનોદ થાપા 2 જૂને મધરાત્રે પ્રેસમાં ત્રાટક્યો હતો અને લોકર, ટેબલના ખાના તોડી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ સંતોષ થાપા જ્યાં પગીપણું કરતો હતો તે રૈયાધાર મણિનગરમાં નંદનવન વિલા એપાર્ટમેન્ટમાં પહોંચ્યો હતો અને ચોરાઉ દલ્લો સંતાડી સગેવગે થઈ ગયો હતો ! પોલીસે ત્રણેયની ધરપકડ કરી કુલ 58.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તસ્કરોને પકડવાના આ `ઓપરેશન’માં ડીસીબી ઉપરાંત એ-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સાગર માવદિયા, કલ્પેશ બોરીચા, ધર્મેશભાઈ ઉપરાંત એલસીબી ઝોન-2 ઈન્ચાર્જ પીએસઆઈ જયંતી ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાહુલ ગોહેલ, શક્તિસિંહ ગોહિલના પણ સામેલ રહ્યા હતા.

ચોરી કરવા ઘૂસેલા વિનોદે સંતોષને ફોન કરીને કહ્યું’તું, અહીં કશું જ નથી…!
પોલીસ તપાસમાં એવી વિગત પણ સામે આવી છે કે પ્રેસમાં ચોરી કરવા માટે વિનોદ થાપા ઘૂસ્યો હતો. તે જ્યારે ઓફિસમાં ચોરી કરવા માટે ગયો ત્યારે શરૂઆતમાં તો તેને કશું ન મળતાં તેણે પોતાના સગા ભાઈ સંતોષ થાપાને ફોન કરીને `અહીં કશું જ નથી’ તેવું કહ્યું હતું. આ પછી સંતોષે અર્જુનને ફોન કરી વિગત જણાવતાં અર્જુને લાઈનદોરી આપી ક્યાં શું પડ્યું હશે તેની જાણકારી આપી હતી ! જાણકારી મળતાં જ વિનોદે વારાફરતી ટેબલના ખાના અને લોકર તોડવાનું શરૂ કર્યું હતું. એકંદરે એક કલાકની અંદર તે બધું ચોરીને બહાર નીકળી ગયો હતો.
આ પણ વાંચો :આજથી રાજકોટમાં અઢી લાખ વૃક્ષનું વાવેતર : દરેક શિવ મંદિરમાં બિલ્વપત્ર વૃક્ષો વવાશે, બોલેલું પાળી બતાવે તેવી આશા !
વિનોદે ચોરીમાં બેઈમાની કરી હતી…
વિનોદે પ્રેસની ઓફિસમાંથી લાખો રૂપિયાની રોકડ-સોના-ચાંદીના ઘરેણાની ચોરીને અંજામ આપ્યા બાદ વિનોદ તેનો ભાઈ સંતોષ થાપા જ્યાં રહેતો હતો તે રૈયાધારના નંદનવન વિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બનાવેલા રૂમ પર પહોંચ્યો હતો અને ત્યાં ચોરાઉ માલ સંતાડી દીધો હતો. જો કે થોડા સમય બાદ ફરી તેણે ત્યાં પહોંચીને ચોરાઉ માલમાંથી દોઢેક લાખ જેવી રોકડ અને અમુક ગ્રામ સોનું અલગ રાખી દીધું હતું મતલબ કે અંદરથી કેટલી રોકડ અને સોનું-ચાંદી ચોરાયા છે તેની જાણકારી માત્ર વિનોદ પાસે જ હોય તેણે આ વાતનો લાભ લઈ તેના ભાઈ સંતોષ અને ટીપ આપનાર અર્જુનને ઉલ્લું બનાવવા માટેનું નક્કી કરી લીધું હતું.
પોલીસ આખરે આરોપી સુધી પહોંચી કેવી રીતે ?
તપાસમાં ખુલ્યા પ્રમાણે ચાર વર્ષથી રાજકોટમાં રહેતો સંતોષ થાપાએ એક વર્ષ પહેલાં તેના સગા ભાઈ વિનોદ થાપાને રાજકોટ બોલાવ્યો હતો. અહીં બન્ને ભાઈ અલગ-અલગ એપાર્ટમેન્ટમાં પગીપણું કરી તે એપાર્ટમેન્ટના જ ગ્રાઉન્ડ ફ્લોર બનાવેલા રૂમમાં રહેતા હતા. ચોરી કર્યા બાદ વિનોદ ચોરાઉ માલ લઈને સંતોષ થાપાના ઘેર પહોંચ્યો હતો અને ત્યાં બધું છુપાવ્યું હતું. પોલીસ દ્વારા પ્રેસની ઓફિસથી લઈ અર્જુન જ્યાં રહેતો હતો તે ડૉ.યાજ્ઞિક રોડ પરના એપાર્ટમેન્ટ તેમજ તે જ્યાં જ્યાં જાય છે તે સહિતના સીસીટીવી ફૂટેજ ચકાસતાં પગેરું સંતોષના રૈયાધારમાં આવેલા નંદનવન વિલા એપાર્ટમેન્ટ સુધી પહોંચ્યા હતા. આ ત્રણેય બાઈક ઉપર સંતોષના ઘેર પહોંચ્યા હોવાનું ધ્યાન પર આવતાં જ તમામ કડીઓ મળી ગઈ હતી અને ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
રવિવારે ચોરી કરી, સોમવારે અર્જુન નોકરીએ હાજર હતો
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે રવિવારે મધરાત્રે વિનોદે ચોરી કર્યા બાદ જાણે કશું જ ન બન્યું હોય તેવી રીતે તે, તેનો ભાઈ સંતોષ અને અર્જુન જાણે કે કશું જ બન્યું ન હોય તેવી રીતે કામધંધે વળગી ગયા હતા. અર્જુન પણ સોમવારે નોકરીએ આવી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આમ તો ચોરાઉ માલમાંથી ભાગબટાઈ થવાની હતી પરંતુ અર્જુને 60 હજારની જ જરૂર હોવાનું કહ્યાનું આરોપીઓએ કબૂલાતમાં જણાવ્યું હતું.