વધુ એક વાવાઝોડાનો ખતરો !! 20 સપ્ટેમ્બરથી વાવાઝોડું ‘યાગી’ ગુજરાતને ધમરોળશે
ચીનમાં તબાહી મચાવનાર યાગી વાવાઝોડું બંગાળની ખાડી તરફ ખેંચાતા ખતરો
ચીનમાં તબાહી મચાવનાર યાગી વાવાઝોડું થાઇલૅન્ડ, વિયેતનામ અને ફિલિપાઇન્સ થઈને ભારત પહોંચ્યું છે. હવે આ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને લો-પ્રેશર સિસ્ટમ સમગ્ર ઉત્તર ભારતને ભીંજવવાનું કામ કરી શકે છે. સાથે જ વાવાઝોડું નબળું પડયા બાદ સમુદ્રમાંથી ઉર્જા મેળવી ડિપ્રેશનમાં ફેરવાયા બાદ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત તરફ ફંટાવાની પ્રબળ શક્યતા હવામાન એજન્સીઓએ વ્યક્ત કરી આગામી ૨૦ સપ્ટેમ્બર બાદ ગુજરાતને ધમરોળે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
સામાન્ય રીતે ૧૫ સપ્ટેમ્બર સુધી ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ વખતે ચોમાસુ જવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ઉલટું વધુ એક સિસ્ટમ ગુજરાતને ધમરોળવા તૈયાર થઇ રહી હોવાનું હવામાન વિભાગ અને વિન્ડી વેધર ફોરકાસ્ટના નિષ્ણાતો જણાવી રહ્યા છે. ચીનમાં તબાહી મચાવનાર વાવાઝોડું યાગી બંગાળની ખાડી તરફ આવી રહ્યું છે જે આગામી તા.૧૮ સપ્ટેમ્બરથી ગુજરાતમાં પ્રવેશશે અને બાદમાં મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં તા.૨૦ સપ્ટેમ્બર આસપાસ આ સિસ્ટમ પહોંચી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન છે અને તેની અસર ઉત્તર પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે. આ ડિપ્રેશન બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જેના કારણે વિયેતનામમાં યાગી વાવાઝોડું વધુ સક્રિય થયું હતું અને વાવાઝોડું બંગાળની ખાડીની તરફ ખેંચાયું છે. આ ડિપ્રેશન ૮ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર ગ્વાલિયર, આગ્રા, ઝાંસી અને અલીગઢમાં વધુ જોવા મળે છે. આ નવી સિસ્ટમને કારણે ચોમાસાની વિદાય પણ વિલંબિત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.