રાજકોટ શહેરના હરીધવા મેઇન રોડ પર આવેલા ભવનાથના ખૂણે અમૂલ પાર્લરમાં ત્રણ અવારા તત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં સંચાલક વૃદ્ધે ગાળો બોલવાની ના પડતાં ત્રિપુટીએ ઝગડો કરી મારમારી કરી હતી અને વૃદ્ધના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. પાર્લરમાં તોડફોડ કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ગાળો બોલવાની ના પાડતા ત્રિપુટીએ હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા
વિગત મુજબ, હરિ ધવા મેઇન રોડ નજીક ભવનાથ મેઈન રોડના ખૂણે રહેતા રાઘવભાઈ નાથાભાઈ ગાજીપરા નામના ૬૩ વર્ષીય વૃદ્ધે અજાણ્યા ઇસમોએ માર માર્યા અંગેની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,તેઓ તેમના ઘર પાસે જ અમૂલનું પાર્લર ચલાવે છે. રાત્રિના તેઓ ત્યાં હાજર હતા ત્યારે તેમના પાર્લર પાસે કેટલાક શખ્સો માથાકૂટ કરી ગાળાગાળી કરતા હતા જેથી વૃદ્ધ તેમને અહીં ગાળો ન બોલવા કહ્યું હતું ત્યારે ત્રિપુટી વીફરી હતી અને વૃદ્ધ પર હુમલો કરી તેમના હાથપગ ભાંગી નાખ્યા હતા. તેમજ ધોકા અને પાઇપ વડે પાર્લરમાં રહેલા કાચ, પફ રાખવાના મશીન, ફ્રીજમાં તોડફોડ નાશી ગયા હતા. જેથી આ મામલે વૃદ્ધની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ત્રણેય અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી છે.