રાજકોટ મહાપાલિકાની ‘અક્કલ’ અને ઠેર-ઠેર ગટરના ઢાંકણા ક્યારેય ‘ઠીક’ ન થાય !! અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા મોઢું ફાડીને ભોગ લેવા આતૂર
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર પાસે ગટરનું ઢાંકણું સરખી રીતે બંધ નહીં હોવાને કારણે રાત્રીના સમયે અખબારી એજન્ટ ત્યાંથી પસાર થતાં અથડાઈને પટકાતાં લાંબી સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આવું પહેલી વખત નથી બન્યું કે જ્યારે મહાપાલિકાના પાપે કોઈ નિર્દોષ વ્યક્તિએ પોતાના પ્રાણ આપવા પડ્યા હોય. અગાઉ પણ મસમોટા ખાડામાં ખાબકવાને કારણે લોકો જાન આપી ચૂક્યા છે પરંતુ મહાપાલિકાના પેટનું પાણી હલવાનું નામ લઈ રહ્યું નથી. જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે તપાસના આદેશ, તાત્કાલિક કાર્યવાહી સહિતના શબ્દોથી જ લોકોને ઉલ્લું બનાવવામાં આવતા હોય છે.
આ ઘટના બન્યા બાદ તંત્રએ એક્શન મોડમાં આવી જઈને શહેરના દરેક વિસ્તારમાં ગટરના ઢાંકણા બરાબર ફિટ કરાયા ન હોય તો તેને કરવા જોઈએ પરંતુ આવું કશું જ ન બન્યું હોવાનું ધ્યાન પર આવ્યું છે. રૈયા રોડ, પંચવટી મેઈન રોડ, નિર્મળા રોડ, અતિથિ ચોક, કોટેચા ચોક, દોશી હોસ્પિટલ પાસેનો રસ્તો, લક્ષ્મીનગર મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ગટરના ઢાંકણા હજુ પણ મોઢું ફાડીને લોકોનો ભોગ લેવા આતૂર હોવાનું સ્પષ્ટપણે ધ્યાન પર આવી રહ્યું છે. અહીં ગટરના ઢાંકણા બિલકુલ સરખા નથી અને ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા રહેલી હોવા છતાં તંત્રના ધ્યાન પર હજુ સુધી આ ઢાંકણા આવ્યા નથી. વરસાદ રોકાઈ ગયાને દિવસો વીતી ગયા છતાં હજુ સુધી તંત્રને આ ઢાંકણા ઠીક કરવાનું સૂઝતું નથી. વળી, ઠેર-ઠેર મસમોટા ગાબડાં પણ પડ્યા છે તે પણ હજુ ઠીક થયા નથી ત્યાં હવે ગટરના ઢાંકણા કોઈનો જીવ લેવા માટે અધીરા બની ગયા છે ત્યારે તંત્રની અક્કલ ક્યારે ઠેકાણે આવશે તે કહી શકવાની સ્થિતિમાં અત્યારે કોઈ નથી. મેયરનું ડિંડવાણું: નિર્દોષનો જીવ ગયા બાદ હવે કહે છે તુરંત કાર્યવાહી કરાવીશ ! મહાપાલિકાના મેયર માત્ર નામના જ હોય તેવી રીતે મસમોટા વાયદાઓ કરવાથી બહાર આવી શકતાં નથી. ગટરના ઢાંકણાને કારણે યુવકનું મૃત્યુ નિપજ્યાની ઘટના બાદ જ્યારે મેયરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ડિંડવાણું હાકતા કહ્યું કે ત્રણેય ઝોનના ઈજનેર, વોર્ડ ઓફિસર, ડે્રનેજ વિભાગ સહિતને શહેરમાં જ્યાં જ્યાં આ પ્રકારે ઢાંકણા ખુલ્લા હોય અથવા સરખા ફિટ ન કરાયા હોય તેને ઠીક કરવા આદેશ આપવામાં આવશે. અત્રે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ આપી દીધા બાદ મેયરને યાદ આવ્યું કે તેમણે આવો કોઈ આદેશ આપવાનો છે ? શું તેમને આ પ્રકારે ઢાંકણા ખુલ્લા અથવા સરખા ફિટ નથી તે વાત ધ્યાન પર આવી નહીં હોય ? જો કે મેયર તો હંમેશા કારમાં જ અવર-જવર કરતા હોવાથી તેમને આ સમસ્યાનો ખ્યાલ આવે પણ ક્યાંથી ? એકંદરે મેયરની ખોખલી વાતો સાંભળીને હવે શહેરીજનો પણ રોષે ભરાયા છે.