અનંત અંબાણીની 170 કિલોમીટરની પદયાત્રા પૂરી
છેલ્લા દિવસે નીતા અંબાણી અને પત્ની રાધિકા મર્ચન્ટ પણ જોડાયા
ગોમતિનદી અને પાદુકા પૂજનનો લાભ લીધો
એક લાખ લોકોની પ્રસાદી સેવા કરી
રિલાયન્સનાં અનંત અંબાણીએ રવિવારે તેની 170 કિલોમીટરની દ્વારકા પદયાત્રા પૂર્ણ કરી હતી. અનંત અંબાણી વહેલી સવારે ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા અને દર્શન-પૂજા કર્યા હતા. પદયાત્રાના અંતિમ દિવસે અનંત અંબાણી સાથે તેમના પત્ની રાધિકા મર્ચન્ટ અને માતા નીતા અંબાણી પણ જોડાયા હતા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને ઉમળકાભેર આવકાર્યા હતા.
પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ ગોમતિપૂજન કર્યું હતું. તેઓએ શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણી,માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ હતી. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું
તેમની પદયાત્રાના સમાપન પર અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘આ મારી પોતાની આધ્યાત્મિક યાત્રા છે. મેં ભગવાનનું નામ લઈને તેની શરૂઆત કરી હતી અને તેમનું નામ લઈને જ સમાપ્ત કરી. હું ભગવાન દ્વારકાધીશને ધન્યવાદ કહેવા માંગુ છે.
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “રામનવમીના પાવન પર્વ પર મને ભગવાનના દર્શન કરવાનો મોકો મળ્યો છે. હું ગુજરાતનો જ છું અને જામનગરવાસી છું અને લોકોને આટલો બધો પ્રેમ આપવા બદલ તેમનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છે.
અનંત અંબાણીનો જન્મદિવસ 10મી એપ્રિલે છે. તે પોતાનો 30મો જન્મદિવસ દ્વારકામાં જ ઉજવશે. અનંત અંબાણીએ 28 માર્ચે જામનગરના મોટી ખાવડીથી પોતાની પદયાત્રા શરૂ કરી હતી. ટ્રાફિક અને સુરક્ષાના કારણે લોકોને મુશ્કેલીમાંથી બચાવવા માટે તે મોટાભાગે રાત્રે જ પદયાત્રા કરતા હતા.
નીતા અંબાણીએ પોતાના પુત્ર અનંતની આ આધ્યાત્મિક યાત્રા પર કહ્યું, ‘એક માતા માટે આ ખૂબ જ ગર્વની વાત છે. મારો પુત્ર અનંત દ્વારકાધીશના આ પવિત્ર સ્થળની યાત્રા પૂર્ણ કરવામાં સફળ રહ્યો હતો.