તહેવારોનો માહોલ હોય અને પરિવારથી દૂર રહેતા લોકો પોતાના વતન તરફ ન દોડે તેવું કેમ બને? સાતમ-આઠમના આ મિની વેકેશનમાં અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતાં રસ્તાઓ અને બસ સ્ટેશનો પર માનવહેરામ ઉમટી પડ્યો છે. ટ્રેનો ફૂલ થઈ જવાથી મુસાફરો માટે બસ જ એકમાત્ર મોટો સહારો બની છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે ખિસ્સા પર પડી રહેલો ભાર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
એસટી અને ખાનગી બસો હાઉસફૂલ, ટિકિટ મેળવવી મુશ્કેલ
અમદાવાદમાં રોજીરોટી અને ધંધાર્થે વસેલા સૌરાષ્ટ્રવાસીઓ સાતમ-આઠમની ઉજવણી કરવા માટે પોતાના વતન જવા માટે થનગની રહ્યા છે. ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ ફૂલ અને વેટિંગ લિસ્ટ લાંબુ હોવાના કારણે મુસાફરોનો ભારે ધસારો બસો તરફ જોવા મળી રહ્યો છે. પરિણામે, અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી આશરે 80 ટકા એસટી (ST) અને 70 ટકા ખાનગી ટ્રાવેલ્સની સીટો અત્યારથી જ ફુલ થઈ ગઈ છે.
ભાડામાં દોઢથી બે ગણો તોતિંગ વધારો
રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જેવા પ્રમુખ રૂટ પર ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારનો લાભ ઉઠાવીને ભાડામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં જે ખાનગી બસની ટિકિટ રૂ. 500 થી 700 માં મળતી હતી, તેના ભાવ વધીને સીધા રૂ. 800 થી 1,200 સુધી પહોંચી ગયા છે. આમ છતાં, વતન પહોંચવાની આતુરતા અને મજબૂરીને કારણે મુસાફરો આ બેફામ ભાડાં પણ હોંશે હોંશે ચૂકવી રહ્યા છે.
આ પણ વાંચો: AMCના 63 સિવિક સેન્ટર્સમાં સ્માર્ટ ટોકન સિસ્ટમ લાગુ!
એસટી નિગમનું વિશેષ આયોજન છતાં ટિકિટો ખૂટી
મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા અગાઉથી જ કમર કસીને આશરે 9,500 જેટલી વિશેષ ટ્રિપો દોડાવવામાં આવી રહી છે. છતાં પણ તહેવારના દિવસોમાં મુસાફરોનો અતિશય પ્રવાહ હોવાથી એસટી બસો પણ સંપૂર્ણ હાઉસફૂલ થઈ ગઈ છે અને છેલ્લી ઘડીએ મુસાફરો માટે કન્ફર્મ ટિકિટ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.
રૂટ મુજબ ખાનગી અને એસટી ભાડાની સરખામણી
વિવિધ શહેરો માટે સામાન્ય દિવસોના ભાડાની સરખામણીએ હાલના પ્રવર્તમાન ભાડાની સ્થિતિ નીચે મુજબ છે:
| રૂટનું નામ | હાલનું ખાનગી ભાડું (રૂ.) | સામાન્ય ભાડું (રૂ.) | એસટીનું ભાડું (રૂ.) |
| અમરેલી | 800 – 1100 | 500 – 600 | 214 – 452 |
| રાજકોટ | 500 – 1000 | 500 – 600 | 181 – 547 |
| જામનગર | 600 – 1300 | 600 – 850 | 236 – 799 |
| દ્વારકા | 700 – 1300 | 600 – 850 | 312 – 1182 |
| પોરબંદર | 850 – 1100 | 750 – 900 | 287 – 427 |
| વેરાવળ | 800 – 1300 | 600 – 800 | 302 – 1242 |
| ભાવનગર | 700 – 1100 | 500 – 600 | 160 – 430 |
| બોટાદ | 500 – 1000 | 500 – 600 | 159 – 297 |
આમ, સાતમ-આઠમના તહેવાર પર પરિવાર સાથે મિનિ વેકેશન વિતાવવાની ઘેલછામાં મુસાફરોએ મોંઘા ભાડા અને ભીડનો સામનો કરવો પડી રહ્યો છે. એસટી નિગમની વિશેષ બસો પણ ઓછી પડી રહી છે ત્યારે તહેવારોના આ માહોલમાં નાગરિકો મુશ્કેલીઓ વેઠીને પણ પોતાના વતન પહોંચી રહ્યા છે.
