- ટ્રેનથી થતા સિંહનાં મૃત્યુ રોકવા હાઈકોર્ટ સમક્ષ SOP રજૂ
ગુજરાતમાં 674 સિંહ, AI કેમેરાથી સિંહોના હોટસ્પોટનું થશે નિરીક્ષણ, ગીરમાં રેલવે ટ્રેકને નેરોગેજથી બ્રોડ ગેજમાં બદલાતા પહેલા હાઇકોર્ટની મંજૂરી અનિવાર્ય
અમદાવાદ
ગીરના જંગલમાં ટ્રેન હડફેટે થતા સિંહોનાં મૃત્યુ અંગે ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ વન વિભાગ અને રેલવે વિભાગના અધિકારીઓની બનેલી કમિટીએ એક SOP બનાવીને હાઇકોર્ટ સમક્ષ રજુ કરી છે.
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 05 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 523 થી વધીને 674 પહોંચી છે. જે 29% નો વધારો સૂચવે છે. SOP ની અંદર ગીરના જંગલોમાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની વાત છે, સિહોના કોરીડોરમાં અંડર પાસ બનાવવાની વાત છે, રેલ્વે ટ્રેક કે તેની આજુબાજુમાં દેખાય તો તુરંત પગલાં લેવા માટેનું મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ સિહોને બચાવવા માટે કરવામાં આવશે, રેલવે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે, સમયાંતરે રીવ્યુ મિટીંગ યોજવામાં આવશે, સિંહોના હોટસ્પોટ વિસ્તારોમાં ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, સિંહોના ટ્રેકરને વોકીટોકી, મોબાઇલ વગેરે સાધનો આપવામાં આવ્યા છે. ફોરેસ્ટ વિભાગનો એક કર્મચારી ડિવિઝનલ રેલવે મેનેજર ની ઓફિસે ઉપસ્થિત રહેશે. સિંહોની વિગતો whatsapp ગ્રુપ દ્વારા શેર કરવામાં આવશે.
જો સિંહનો કોઈ ટ્રેન સાથે અકસ્માત થાય તો સર્કલ લેવલ કમિટી તુરંત તપાસ હાથ ધરશે. સ્પોટ ઉપર અધિકારી જશે તે ચીફ કન્ઝર્વેશન ફોરેસ્ટ ઓફિસરને પ્રાથમિક રિપોર્ટ આપશે. 24 કલાકમાં આ કામગીરી કરવામાં આવશે. બાદમાં ડીટેલ રિપોર્ટ ત્રણ અઠવાડિયાની અંદર આપવામાં આવશે. ઉપરાંત સ્ટેશન માસ્ટર, લોકો પાયલોટ અને સિંહોના ટ્રેકરની સમયાંતરે મિટિંગ મળશે. તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ગિર વનમાં સિંહો ની ઉપસ્થિતિના હોટસ્પોટ દર્શાવતા 49 સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે. પીપાવાવ, રાજુલા, જામનગર ટ્રેકનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. સિંહોને ટ્રેક કરવા કુલ 23 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.
રેન્જ લેવલ કમિટી સિંહ કોરિડોરમાં નવા અંડર પાસની શક્યતાઓ શોધીને ત્રણ મહિનામાં જણાવશે. રેલવે ટ્રેક ઉપરની વનસ્પતિઓ દૂર કરાશે જેથી કરીને દૂરથી પણ જો ટ્રેક ઉપર સિહ હોય તો જોઈ શકાય. 86 જગ્યાએ સોલર પાવર આધારિત લાઈટો મૂકવામાં આવી છે, જેની સંખ્યામાં વધારો કરવામાં આવશે. AI કેમેરા દ્વારા હોટસ્પોટ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવશે. ગીર વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેકોની આસપાસ ફેન્સીંગ પણ ચકાસવામાં આવી રહ્યું છે. જ્યારે રીપેરની જરૂર છે ત્યા રીપેરીંગ કરાશે અને નવી ફેંસિંગ પણ નાખવામાં આવશે. જે ટ્રેકને મીટરગેજ થી બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનો છે. તેની યોગ્યતા ચકાસ્યા બાદ રાજ્ય અને કેન્દ્રના વાઇલ્ડ લાઇફ બોર્ડની મંજૂરી લેવામાં આવશે.
વન વિભાગે જણાવ્યું હતું કે સિંહોને ટ્રેક કરવા માટે 58 ટ્રેકર કાર્યરત છે. રેલવે વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું કે 20 એપ્રિલના રોજ સિંહ રેલ્વે લાઈન ઉપર બેઠો હતો જેથી આગમચેતી રૂપે ટ્રેન રોકી દેવામાં આવી હતી. જેથી કોર્ટે કટાક્ષમાં કહ્યું હતું કે તમને આ કાર્ય બદલ પદ્મશ્રી આપવો જોઈએ. કોર્ટ મિત્રએ જણાવ્યું હતું કે રેલ્વે પ્રશ્નાવલી ભરાવીને તપાસ કરી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે ભાવનગર DRM અને ચીફ ફોરેસ્ટ કોન્ઝર્વેશનલ ઓફિસર તેમની ફરજો માટે જવાબદાર હોય. જો સમાચાર સંસ્થાઓને અકસ્માતની ખબર પડે તો ઓફિસરો કેમ તેને નિવારવા પગલાં લેતા નથી !
વન વિભાગે જણાવ્યું હતું કે તેમને વર્ષ 2023-24 થી વર્ષ 2033 -34 ના લાયન કોરીડોરના મેપિંગ માટે ગીર મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો છે. શેત્રુંજીથી રાજકોટ સુધી લાયન કોરિડોર આવેલ છે. રેલવે વિભાગ દ્વારા તમામ જગ્યાએ મીટરગેજને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા સામે કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ પ્રવૃત્તિ હાથ ધરતા પહેલા જે તે વિસ્તારમાં તે અનુકૂળ હશે કે કેમ તેવું રેલ્વે વિચારવું જોઈએ. અધિકારીઓ AC ઓફિસમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વગર કાર્ય કરે છે. કોર્ટે ઓર્ડર કર્યો હતો કે રેલવે વિભાગના સેક્રેટરી અને વન વિભાગના સેક્રેટરી ભેગા મળીને એક હાઈ લેવલ કમિટી બનાવશે જે સિંહોના અસ્કમાતના કારણો, તેના ઉપાય વગેરે બાબતે રીપોર્ટ આપશે.