રાજકોટ બસ સ્ટેન્ડમાં સર્જાયો અકસ્માત : ST બસના ચાલકે ઠોકર મારતા રાહદારીનું મોત, બસની બ્રેક ફેલ થયાનું પ્રાથમિક તારણ
સતત ટ્રાફિકથી ધમધમતા રાજકોટના બસ પોર્ટ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બસ પોર્ટની બહાર નીકળતી ST બસના ચાલકે આઉટ ગેટ પાસે એક રાહદારીને હડફેટે લેતા તેનુ ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ST બસની બ્રેક ફેલ થઈ જતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ થતા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર રાજકોટ-બરવાળા-રાજકોટ રૂટની એસટી બસ સ્ટેશનની બહાર નીકળી રહી હતી, ત્યારે બસની બ્રેક ફેલ થતાં ત્યાંથી પસાર થતા મુસાફરને અડફેટે લેતા દિનેશ મારવાણિયા નામના 65 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. મુસાફરને અડફેટે લીધા બાદ બસ પિલર સાથે પણ અથડાઇ હતી ત્યારે બનાવસ્થળે પણ લોકોના ટોળાં ઉમટ્યા હતા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ બસપોર્ટ પર રાજકોટ-બરવાળા-રાજકોટ રૂટની એસટી બસનો અકસ્માત ગંભીર સર્જાયો હતો બસે ટક્કર મારતા મુસાફર પીલર સાથે અથડાઈને નીચે પટકાયા હતા અને માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. જેથી ઘટનાસ્થળ પર જ દિનેશભાઈનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. 108 દ્વારા મૃતક દિનેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટનો એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર એ એક એવો વિસ્તાર છે જ્યાં સતત ટ્રાફિકજામની સ્થિતિ હોય છે. અગાઉ પણ અહી બસની અડફેટે લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં હજુ પણ આવી ઘટનાઓ ઘટશે તેવી ભીતિ સર્જાઇ રહી છે.
આ પણ વાંચો :સાસણમાં સિંહદર્શન માટે ઓનલાઈન સફારી બુકિંગમાં 2 કરોડના કૌભાંડનો આરોપ! 5000ની પરમીટ 25,000માં વેંચાઈ

