રોકાણ, વિકાસ અને રોજગારીના ત્રિવેણી સંગમ સાથે ગુજરાત વધુ એક ઐતિહાસિક કદમ ઉઠાવવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 8 નવી સ્માર્ટ GIDC એસ્ટેટ્સની જાહેરાત કરી છે, જે 3,611 એકર વિસ્તારમાં વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વિકસાવાશે. આ નિર્ણયથી સ્થાનિક યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે અને ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં વધુ મજબૂત બનશે.
ક્યાં વિકસશે નવી GIDC એસ્ટેટ્સ?
રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ ખેડા જિલ્લાના મહિજ, સરખેજ અને અંઘાડી, અમદાવાદ જિલ્લાના માંડલ, પંચમહાલ જિલ્લાના નદીસર, છોટાઉદેપુર જિલ્લાના ઊંડવા તેમજ ભાવનગર જિલ્લાના મોણપુર ખાતે નવી GIDC વિકસાવવામાં આવશે. કુલ 8 નવી ઔદ્યોગિક વસાહતોનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો: લીંબડી પાસેથી ૩૯.૩૫ લાખના વિદેશી દારૂ અને બિયર સાથેનો ટ્રક ઝડપાયો
વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ હશે સ્માર્ટ એસ્ટેટ્સ
આ નવી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કુલ 3,611 એકરમાં ફેલાયેલી હશે. અહીં આધુનિક રોડ નેટવર્ક, 24 કલાક વીજળી, પાણી, ડ્રેનેજ સહિતની અદ્યતન ઔદ્યોગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે દેશ-વિદેશના રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાશે.
નાના-મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન, યુવાનોને મળશે રોજગારી
સરકારના આ પગલાથી વિવિધ જિલ્લાઓમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે. સ્થાનિક કક્ષાએ હજારો યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે. સંતુલિત ઔદ્યોગિક વિકાસને વેગ મળતા રાજ્યના અંતરિયાળ વિસ્તારો પણ વિકાસની મુખ્ય ધારામાં જોડાશે.
‘વિકસિત ગુજરાત’ના વિઝન તરફ મજબૂત કદમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય “વિકસિત ગુજરાત”ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે. રોકાણકારોને આધુનિક સુવિધાઓ આપીને ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવાનો સરકારનો સંકલ્પ છે. આ 8 નવી GIDC સાથે ગુજરાત દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્ય તરીકેની ઓળખ વધુ મજબૂત કરશે.
