ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાણીની બોટલની માફક દારૂ-બિયરની બોટલ આસાનીથી મળી જાય છે. પોલીસતંત્ર દ્વારા અવારનવાર કોમ્બિંગ કરી દારૂનો મોટો જથ્થો પકડી પાડી છે પરંતુ જેટલો દારૂ પકડાય છે તેના કરતા ડબલ વિદેશી દારૂ ઘૂસાડી દેવામાં આવે છે. રાજકોટ-લીંબડી હાઈ-વે પર કાનપરાના પાટિયે પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ-બિયર ભરેલો ટ્રક તેમજ દારૂનું પાયલોટિંગ કરતી ઈનોવા કાર મળી પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરી ૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજસ્થાન, હરિયાણા, પંજાબમાંથી દરરોજ મોટાપાયે વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે ત્યારે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને નીકળેલ ટ્રક સુરેન્દ્રનગરના મુળી પંથકમાં આવી રહ્યો હોવાની એલસીબીને બાતમી મળતા લીંબડીના કાનપરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.
આ પણ વાંચો: ધર્મ પરિવર્તનના દાવા પર ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર પત્રકારને આપ્યો કરારો જવાબ
પોલીસે બગોદરા તરફથી આવતા વાહનોની તલાશી લેતા દારૂ ભરેલો ટ્રક અને તેનું પાયલોટિંગ કરતી ઈનોવા કાર મળી આવી હતી. પોલીસે ૩૧.૩૮ લાખની કિંમતની ૪૮૦૦ વિદેશી દારૂની બોટલ રૂા.૭.૯૬ લાખની કિંમતની ૬૫૭૬ બિયરના ટીન, ૨.૭૦ લાખના પાંચ મોબાઈલ અને વાહનો મળી ૭૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે દારૂ ભરેલા ટ્રકનું પાયલોટિંગ કરતા મુળી તાલુકાના રામપરડા ગામના અનિલ ઉર્ફે અનુ બાબુભાઈ બોરીચા, બોટાદના ઝરીયા ગામના રાજુ ઉર્ફે બારવટિયો કનુભાઈ ભોજક અને ટ્રકચાલક મુળીના ઉમરડા ગામના દશરથ મનસુખભાઈ કોળીની ધરપકડ કરી હતી. જ્યારે રાજસ્થાનના બુટલેગર બલવીર સ્વામી સહિતના ત્રણ શખસોના નામ ખૂલ્યા છે.
વિદેશી દારૂનો જથ્થો ચોબાના ભુસાની નીચે છૂપાવી લઈ જવામાં આવતો હતો. આ કામગીરી એલસીબી પીઆઈ બી.એચ. શીંગરખીયા સહિતના સ્ટાફે કરી છે.
