ભારતના ઇતિહાસની સૌથી મોટી શસ્ત્ર દાણચોરીના મુખ્ય આરોપીને ડેનમાર્ક સરકારનું રક્ષણ કવચ
1995 ના ‘ પુરૂલીયા આર્મ ડ્રોપ કેસના અનેક રહસ્યક અકબંધ
ભારતને સોંપવાનો ઇનકાર: પ્રત્યાર્પણની રહી સહી સંભાવના પણ નિર્મૂળ
ભારતના ઇતિહાસમાં સૌથી મોટી એવી 1995માં પશ્ચિમ બંગાળના પૂરુંલિયા નામના ગામમાં થયેલી શસ્ત્રોની દાણચોરી ના કેસમાં મુખ્ય આરોપી ડેનિશ નાગરિક નિલ્સ હોલ્ક ને ભારતને સોંપવાનો ડેનમાર્કએ ઇનકાર કરી દીધો હતો. 29 ઓગસ્ટના રોજ ડેનમાર્કની અદાલતે આપેલા ચુકાદામાં હોલ્કની ભારતને સોંપણીને ડેનિશ પ્રત્યાર્પણ કાનૂનના ભંગ સામાન ગણાવી હતી. ભારતમાં હોલ્કને યુરોપિયન કન્વેન્શન ફોર હ્યુમન રાઈટ ના માપદંડ મુજબ ટ્રીટમેન્ટ નહીં મળે તેવો ભય અદાલતે વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ બંગાળના પુરૂલિયામાં 1995માં વિમાનમાંથી શસ્ત્રો ફેંકવાની એ ઘટનાએ જે તે સમયે હાહાકાર મચાવી દીધો હતો. આ ભેદી ઘટના બારામા સીબીઆઇએ એક બ્રિટિશ નાગરિક સહિત સાત શખ્સોની ધરપકડ કરી હતી પરંતુ ડેનિશ નાગરિક હોલ્ક નેપાળ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.
ભારતે 2002 માં તેના પ્રત્યાર્પણ માટે માગણી કરી હતી. ડેનીશ સરકારે જોકે ઇનકાર નહોતો કર્યો પરંતુ ભારત સરકાર સમક્ષ કેટલીક શરતો મૂકી હતી અને કેટલીક ખાતરીઓ પણ માંગી હતી.
ભારત સરકારે હોલ્કને જેલમાં પૂરતી સલામતી આપવાની અને મૃત્યુ દંડની સજા ન ફટકારવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં જો સજા પડે તો એ સજા ડેનમાર્કમાં પસાર કરવાની પણ ભારતે છૂટ આપી હતી.
ડેનીશ સરકારે બાદમાં 2010માં હોલ્કની ભારતને સોપણી કરી દેવાનો આદેશ આપ્યો હતો. જોકે એ નિર્ણયની વિરુદ્ધમાં હોલકે અદાલતમાં અરજી કરી હતી. અદાલતે ભારતમાં તેની ઉપર ટોર્ચર થઈ શકે છે તેવું કારણ આપી અને સરકારના નિર્ણયને રદ કર્યો હતો. એ પછી ભારત સરકારના દબાણ બાદ ડેનીશ સરકારે અદાલતનાએ આદેશને ઉપલી અદાલતમાં પડકાર્યો હતો જ્યાં પણ અદાલતે પ્રત્યારોપણની માગણી નકારી કાઢી હતી. આ ઘટનાને કારણે 2010 થી 2016 સુધી ભારત અને ડેનમાર્કના રાજદ્વારી સંબંધોમાં કડવાશ આવી હતી. 2016 પછી સંબંધો સામાન્ય થયા બાદ ફરી એક વખત પ્રત્યાર્પણ માટે કાનૂની જંગ ચાલ્યો હતો જેમાં હોલ્ક ની તરફેણમાં ચુકાદો આવતા હવે તેના પ્રત્યારોપણની રહી સહી સંભાવનાઓ પણ નિર્મૂળ થઈ ગઈ છે.
ભેદી ઘટનાક્રમ: વિમાનમાંથી ચાર ટન ઘાતક શસ્ત્રો અને દારૂગોળો ફેંકાયા હતા
પુરોલીયા આર્મ ડ્રોપ નામે ઓળખાતી આ ઘટનાના અનેક રહસ્યો આજે પણ અકબંધ છે. 17 ડિસેમ્બર 1995 ના રોજ એક રશિયન કાર્ગો પ્લેન કરાંચી થી ઢાકા જવા માટે નીકળ્યું હતું. એ વિમાન વારાણસીમાં ફ્યુલ ભરવા માટે રોકાયા બાદ કોલકાતા જવા રવાના થયું હતું. જોકે નિર્ધારિત માર્ગ પર જવાને બદલે તે બિહારના ગયા તરફ ફંટાઈ ગયું હતું. બાદમાં એ વિમાન પશ્ચિમ બંગાળના પુરૂલિયા નગર ઉપર ખૂબ નીચી ઊંચાઈએ ઊડતું દેખાયું હતું.
એ સ્થળે એ વિમાનમાંથી ચાર ટન ઘાતક શસ્ત્રો અને દારૂગોળો ફેંકવામાં આવ્યા હતા. બીજા દિવસે પુરૂલીયા ના ગ્રામજનોએ ખેતરોમાં વિખેરાયેલો શસ્ત્રોનો એ જંગી જથ્થો જોયા બાદ તંત્રને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને એ શસ્ત્રોનો કબજો મેળવ્યો હતો. શસ્ત્રનો એ જંગી જથ્થો જોઈને સુરક્ષા એજન્સીઓ સ્તબ્ધ બની ગઈ હતી. તેમાં હજારો એકે 47 રાઈફલો, સેકડો પિસ્તોલ,એન્ટી ટેન્ક ગ્રેનેડ, રોકેટ લોન્ચર અને બે નાઈટ વિઝન બાઈનોક્યુલર ઉપરાંત હજારો કારસો મળી આવ્યા હતા.
પુરોલીયામાં શસ્ત્રો ઉતાર્યા બાદ વિમાન તેના પૂર્વ નિર્ધારિત રૂટ ઉપર આગળ વધ્યું હતું. તે ફરી એક વખત કલકત્તાના ડમ ડમ એરપોર્ટ પર ફ્યુઅલ ભરવા માટે રોકાયું હતું અને ત્યાંથી થાઈલેન્ડના ફુકેટ વિમાંની મથકે
તેનું લેન્ડિંગ થયું હતું.
કઈ રીતે થઈ ધરપકડ?
આટલી મોટી સંખ્યામાં વિમાનમાંથી શસ્ત્રો ફેંકવામાં આવે એ એક અભૂતપૂર્વક ઘટના હતી. પ્રખ્યાત પત્રકાર અને લેખક ચંદન નંદીએ એ ઘટના પર લખેલ પુસ્તક,
‘ ધ નાઇટ ઇટ રેઇન્ડ ગન્સ: અનરેવેલિંગ ધ પુરોલીયા આર્મ ડ્રોપ કોનસ્પીરન્સી’ માં આ ઘટનાને સૌથી વિચિત્ર અને ભારતની સુરક્ષા ભંગ કરવા માટેનું અદભુત ઓપરેશન સમાન ગણાવી હતી. એક વિમાનમાંથી આટલી મોટી સંખ્યામાં શસ્ત્રો ફેંકવામાં આવ્યા છતાં પણ તંત્રને ગંધ પણ ન આવી તે એક અકલ્પનીય ક્ષતિ હતી. શસ્ત્રોની આ દાણચોરી સાથે સંડોવાયેલા શખ્સો પણ તંત્રની કાબેલિયાતને કારણે નહીં પણ અલગ સંજોગોમાં ઝડપાયા હતા.બન્યું એવું કે થોડા દિવસ પછી એ જ વિમાન ફરી એક વખત કરાચી જવા માટે ભારતમાં પ્રવેશી, ચેન્નાઈમાં ફ્યુલ ભરીને ઉડ્યુ ત્યારે તેના આકાશમાં જ આંતરી ને મુંબઈ લઈ જવાયું હતું.
એ સમયે એ વિમાનમાં રહેલા ડેનિશ નાગરિક હોલ્ક ઉર્ફે કીમ ડેવી, બ્રિટિશ આર્મ ડીલર પીટર બ્લીચ, સિંગાપુર સ્થિત ભારતીય નાગરિક દિપક માણેકન અને રશિયન ભાષા બોલતા પાંચ લેટવિયન નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં બાકીના બધાની ધરપકડ થઈ હતી પરંતુ હોલ્ક રહસ્યમય સંજોગોમાં નેપાળમાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા શખ્સોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી પરંતુ 2004માં બધા છૂટી ગયા હતા.ત્યારથી હોલ્પના પ્રત્યાર પણ માટે ભારત પ્રયત્નો કરતું હતું.
આર્મ ડ્રોપ ઓપરેશનમાં તત્કાલીન કેન્દ્ર સરકાર સામેલ હોવાનો આક્ષેપ
આ ઘટનાએ રહસ્યોના તાણાવાળા સર્જ્યા હતા. મુખ્ય આરોપી હોલ્ક પશ્ચિમ બંગાળના આનંદ માર્ગ સંગઠનનો સભ્ય હતો. 1982 થી તે આનંદમાર્ગ પ્રોજેક્ટ સહિત અનેક કોમ્યુનિટી પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો. નેપાળમાંથી નાસી ગયા બાદ 1996માં તે ડેનમાર્કમાં દેખાયો હતો. તે સોલાર એનર્જી કંપની ચલાવે છે અને પત્ની અને બે બાળકો સાથે કોપનહેગનમાં રહે છે.
નીલ હોલ્કે શસ્ત્રોની આ દાણચોરીમાં પોતાની ભૂમિકા કબૂલી હતી.’ ધે કોલ મી ટેરિસ્ટ ‘ નામની આત્મકથામાં તેણે અત્યંત ચોકાવનારા ધડાકા કર્યા હતા. તેના જણાવ્યા મુજબ એ સમયે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓનું શાસન હતું. સામ્યવાદીઓ દ્વારા આનંદ માર્ગ સંગઠનના સભ્યોની કતલેઆમ ચાલતી હતી. કેન્દ્રની કોંગ્રેસ સરકાર પશ્ચિમ બંગાળને રાજ્ય સરકારને ઉથલાવવા માગતી હતી. હોલ્ક નાજણાવ્યા મુજબ સામ્યવાદીઓનો સામનો કરવા માટે તેણે શસ્ત્રોની દાણચોરી કરી હતી. એ આખા ષડયંત્ર માં કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકાર,રો અને બ્રિટનની જાસોથી સંસ્થા એમ 15 ની સંડોવણી હોવાનું તેણે જણાવ્યું હતું.તેના કહેવા મુજબ બધું સરકારના આશીર્વાદથી જ બન્યું હતું. તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવ અને બિહારના સાંસદ પપ્પુ યાદવે તેને સલામત રીતે ભારતની બહાર નીકળી જવાનો રસ્તો કરી આપ્યો હોવાનો આ ડેનિસ નાગરિકે ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં બાદમાં તેણે કહ્યું કે મારા મિત્રો મને ભારતીય કહે છે પણ ભારતમાં એ લોકો મને આતંકવાદી ગણાવે છે.
પુરોલિયાની આ ભેદી ઘટનામાં બાંગ્લાદેશ અને બ્રિટનની સંડોવણીના નિર્દેશો પણ પ્રાપ્ત થયા હતા. બાંગ્લાદેશના સાંસદ રિટાયર્ડ જનરલ મહંમદ સબિદ અલીની ભૂમિકા પણ ચર્ચામાં રહી હતી. આ કેસમાં ઝડપાયેલો બ્રિટિશ નાગરિક પીટર બ્લીચ બ્રિટિશ જાસુસી સંસ્થા એમ 16 જાસૂસ હોવાનું માનવામાં આવે છે. પીટર બ્લિચના જણાવ્યા મુજબ આર્મ ડ્રોપની આ ઘટના અંગે તેણે બ્રિટનના ડિફેન્સ એક્સપોર્ટ સર્વિસ ઓર્ગેનાઈઝેશન અને નોર્થ યોર શાયર પોલીસને જાણ કરી હતી. એટલું જ નહીં પોલીસની મંજૂરી વડે જ તેણે વિમાન ભાડે કર્યું હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો. પુરોલિયાની આ ઘટનાને ત્રણ દાયકા થવા આવ્યા તે પછી પણ હજુ અનેક રહસ્યો અકબંધ રહ્યા છે.