રાજકોટ, મોરબી અને જામનગરના 310 યાત્રિકો નેપાળમાં સલામત : નાગરિકોની મદદ માટે ઇમર્જન્સી નંબર કરાયા જાહેર
નેપાળમાં નાગરિકો વિદ્રોહ ઉપર ઉતરી આવતા સર્જાયેલ સ્થિતિમાં હાલમાં ભારતથી નેપાળ યાત્રાએ ગયેલા રાજકોટના 26 સહિત જામનગર, મોરબી, જૂનાગઢ જિલ્લાના તમામ 316 યાત્રિકો સલામત હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ નાગરિકો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફત પરત આવતા નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મામલતદાર ડિઝાસ્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ નેપાળમાં સત્તાધીશ સરકાર વિરુદ્ધ નાગરિકો વિદ્રોહ ઉપર ઉતરી આવતા તંગ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. બીજી તરફ નેપાળમાં તંગ પરિસ્થિતિ વચ્ચે રાજકોટના 26 સહિત જામનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લાના 316 નાગરિકો નેપાળના કાઠમંડુમાં હોવાનું સામે આવતા રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નેપાળમાં ફસાયેલ તમામ નાગરિકોનો સંપર્ક કરી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે તમામ યાત્રિકોને ભારત પરત લાવવા કાર્યવાહી શરૂ કરી છે.
વધુમાં રાજકોટથી ધંધાર્થે ગયેલા આંનદભાઈ મહેતા, વિઠ્ઠલભાઈ સોઢા અને પીનાકીનભાઈ ભારદીયા તેમના મિત્રના ઘેર કાઠમંડુમાં હોવાનું સામે આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંપર્ક જાળવી રાખવામાં આવ્યો હતો.હાલમાં ત્રણેય વ્યક્તિ મોટર માર્ગે નેપાળથી ભારત માટે રવાના થયા છે. એ જ રીતે નેપાળ યાત્રાએ ગયેલા શ્વેતાબેન મહેતા, મધુરીકા દવે અને યોગેશ દવે ગઈકાલે એરપોર્ટ ઉપર હતા ત્યારે એરપોર્ટ બંધ થતા તેઓને ભારતીય દૂતાવાસ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી આજે બુધવારે સાંજે તેઓ હવાઈમાર્ગે ભારત આવવા રવાના થનાર હોવાનું ડિઝાસ્ટર મામલતદાર મીરાબેને જણાવ્યું હતું.
દરમિયાન રાજકોટ, જામનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાંથી શિવકથા અને રામધૂન માટે ગયેલા કુલ 310 લોકો તોફાનો સમયે કાઠમંડુમાં જ હતા. જો કે, હાલમાં તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું અને અલગ અલગ ત્રણ જગ્યાએ આશ્રય લઈ રહ્યા હોવાનું રાજકોટના યાંત્રિક ધીરુભાઈ ચીકાણીએ જણાવ્યું હતું. દરમિયાન યાત્રાપ્રવાસના આયોજક બાબુભાઇ ગોપાણીએ પણ તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ ગ્રુપમાં મોરબીના હળવળક,ટંકારા, જબલપુર, રાજપર, શનાળા, હમીરપર, ઓટાળા, જામનગરના ફલ્લા, રાજકોટના દેપાળિયા ઉપરાંત સુરેન્દ્રનગર અને જૂનાગઢના યાત્રિકો હોવાનું જાણવા મળે છે.
નાગરિકોની મદદ માટે ઇમર્જન્સી નંબર જાહેર કરાયા
નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાનાં નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ તેમજ રાજકોટ જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા ઇમર્જન્સી નંબર જાહેર કરાયા છે.હાલમાં નેપાળમાં પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાની કોઈ પણ વ્યક્તિ નેપાળમાં હોય અને તેમને કોઈ મદદની જરૂર પડે તો, તેઓ કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ ઈમરજન્સી નંબર: +977-9808602881, +977-9810326134 નંબર તેમજ રાજકોટ જિલ્લાના કંટ્રોલરૂમ નંબર (નાગરિકોની મદદ માટે) 0281-2471573 નંબર પર સંપર્ક કરી શકે છે.
