265 તાલુકા જળમગ્ન, પાટણના સાંતલપુરમાં 15 ઈંચ વરસાદથી હાહાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
મેઘરાજા એક સાથે આખા ગુજરાત પર વરસ્યા હોય એવું દ્રશ્ય છેલ્લા 24 કલાકમાં જોવા મળ્યું. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, ગુરુવાર સવારે 6 થી શુક્રવાર સવારે 6 વાગ્યા સુધી રાજ્યના તમામ 265 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તો મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી કે રસ્તા-ખેતર-ઘર બધે પાણી જ પાણી થઈ ગયા. પાટણ, વાવ-થરાદ અને ખેડામાં સ્થિતિ સૌથી ગંભીર છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
સૌથી વધુ કહેર પાટણ જિલ્લામાં જોવા મળ્યો. સાંતલપુર તાલુકામાં 24 કલાકમાં 15 ઈંચ એટલે કે 381 mm વરસાદ ખાબક્યો, જે રાજ્યમાં સૌથી વધુ છે. તેની બાજુમાં જ રાધનપુરમાં 13.46 ઈંચ એટલે કે 342 mm પાણી પડ્યું. વાવ-થરાદ જિલ્લામાં પણ સ્થિતિ કફોડી છે. ભાભરમાં 11.3 ઈંચ, દિયોદરમાં 10.83 ઈંચ, સુઈગામમાં 6.81 ઈંચ અને થરાદમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠાના દાંતીવાડામાં 7.09 ઈંચ અને ઓગડમાં 6 ઈંચ વરસાદથી નદી-નાળા છલકાઈ ગયા.
આ પણ વાંચો: શરૂઆતમાં કડાકા પછી 2 કલાકમાં ચાંદી ચમકી: સોનાના ભાવ ગગડ્યા
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ ભીંજાયા
મધ્ય ગુજરાતમાં ખેડાના નડિયાદમાં 10.31 ઈંચ અને મહેમદાવાદમાં 8.39 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વસો અને કઠલાલમાં 5-5 ઈંચ, આણંદના સોજીત્રામાં 5 ઈંચ વરસાદથી રસ્તાઓ બંધ થયા. ગાંધીનગરના દહેગામમાં 5.71 ઈંચ, અમદાવાદ શહેરમાં 2.44 ઈંચ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના થાનગઢ અને મોરબીના વાંકાનેરમાં 7-7 ઈંચ, જૂનાગઢના ભેસાણમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો. સુરતમાં 3.23 ઈંચ અને મહીસાગરના બાલાસિનોરમાં 4.5 ઈંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા.
જનજીવન પ્રભાવિત, રસ્તાઓ બંધ
વિરામ વગરના વરસાદને કારણે રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામોના સંપર્ક રસ્તા કપાયા છે અને ખેતીને પણ નુકસાન થવાની ભીતિ છે. કુલ 246 તાલુકામાં 1 ઈંચથી 5 ઈંચ સુધીનો હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો છે.
વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી તંત્રની ચિંતા વધી છે.
