15 વર્ષના ટેણિયાનું ગજબ ‘તોફાની’ દિમાગ! પિતાએ ઠપકો આપતાં દુકાનમાંથી રૂ.55 હજાર લઈને રાજકોટથી છેક દિલ્હી પહોંચ્યો, વાંચો શું છે સમગ્ર ઘટના
15 વર્ષની ઉંમર હસવા-રમવાની હોય છે. જો કે સોશ્યલ મીડિયાની માઠી અસર બાળકોના કુમળા માનસ ઉપર પડી રહી હોય તેના કારણે કેવી સ્થિતિનું નિર્માણ પામે છે તે મુદ્દાને ઉજાગર કરતો અને માતા-પિતાની આંખ ઉઘાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત તા.5 જૂને જૂના રાજકોટના ધનાઢ્ય વિસ્તારમાં રહેતો ફુલના વેપારીનો 15 વર્ષીય પુત્ર તોફાન કરી રહ્યો હોય ઘરમાંથી ઠપકો મળતાં સુધરવાને બદલે ઘર છોડીને ચાલ્યો જતાં પરિવારજનો ઉંઘ હરામ થઈ જવા પામી હતી. જો કે પોલીસ દ્વારા 36 કલાકની અંદર 1500 કિલોમીટર દૂરથી બાળકને હેમખેમ શોધી લવાતાં સૌના શ્વાસ હેઠાં બેઠા હતા પરંતુ બાળક 1500 કિલોમીટર દૂર પહોંચ્યો કેવી રીતે તે કિસ્સો પણ રસપ્રદ છે.

આ 15 વર્ષનો પિયૂષ (નામ બદલાવેલ છે) સૌથી પહેલાં પિતાની ભક્તિનગર વિસ્તારમાં આવેલી ફૂલની દુકાને ગયો હતો અને ત્યાં તેની મોટી બહેન કે જે પણ સગીર છે તેની પાસેથી દુકાનના ગલ્લામાંથી 55,000 જેવી માતબર રકમ બેન્કમાં જમા કરાવવા જવાનું છે તેમ કહી લઈ ગયો હતો. આ પૈસા બેન્કમાં જમા કરાવવાની જગ્યાએ બાળકે મોલમાં જઈને ત્યાંથી કપડાં અને મોબાઈલ ફોનની ખરીદી કરી હતી. મોલ સુધી પહોંચવા માટે તેણે પોતાના ઈલેક્ટ્રિક બાઈકનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેણે તો રાજકોટ છોડી જ દેવું હોય સ્કૂટર પણ ત્યાં જ મુકી દીધું હતું.
આ પછી 15 વર્ષનો ટેણિયો બસ મારફતે સુરેન્દ્રનગર પહોંચ્યો હતો. ત્યાં રોકાણ કર્યા બાદ મહેસાણા અને ત્યાંથી અમદાવાદ પહોંચી ગયો હતો. અમદાવાદ પહોંચ્યા બાદ રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર જઈને દિલ્હીની ટિકિટ બુક કરાવી દિલ્હી પહોંચી ગયો હતો.

દિલ્હી પહોંચ્યા બાદ નોઈડા વિસ્તારમાં આવેલી એક સસ્તા ભાડાની હોટેલ પર જઈને `પોતાની પરીક્ષા હોવાને કારણે દિલ્હી આવ્યો છે’ તેમ કહી આધારકાર્ડ તેમજ પોતાની પાસે રહેલી રોકડથી રૂમ બુક કરાવી લીધો હતો અને ત્યાં જ રહેવા લાગ્યો હતો.
બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાતાં જ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા દ્વારા ટીમને કામે લગાડવામાં આવી હતી. આ પછી પીએસઆઈ જે.જે.ગોહિલ, કોન્સ્ટેબલ મહાવીરસિંહ, પ્રકાશભાઈ સહિતની ટીમે સઘન તપાસ કરતાં બાળકની હોટેલનું લોકેશન મળી જતાં તાત્કાલિક રવાના થઈ 36 કલાકની અંદર 1500 કિલોમીટર દૂરથી ટેણિયાને હેમખેમ પરત લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
ભણવામાં એકદમ હોંશિયાર, નવો મોબાઈલ લીધા બાદ વાઈફાઈથી જ કોલિંગ કરતો
તપાસમાં ખુલ્યા પ્રમાણે 15 વર્ષનો ટેણિયો ભણવામાં ખૂબ જ હોંશિયાર છે પરંતુ તેને કોઈ ખીજાય એ પસંદ ન હોવાથી તેણે ઘર છોડી દીધું હતું. ઘર છોડ્યા બાદ તેણે નવો મોબાઈલ પણ ખરીદ કર્યો હતો પરંતુ તેમાં સીમકાર્ડ ફિટ કર્યા વગર જ જ્યાં વાઈફાઈથી ઈન્ટરનેટ મળે ત્યાં ઉભા રહીને તેના મારફતે જ કોલિંગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. પોલીસ દ્વારા ટેણિયાએ કોને કોને ફોન કર્યા તેની પણ તપાસ કરવામાં આવી હતી.