મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તેઓ અલગ-અલગ સ્થળે ચાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ખાસ કરીને મુખ્યમંત્રીના હસ્તે 1010 પરિવારને ઘર મળે છે અને ગૃહપ્રવેશ યોજાશે.
મહાપાલિકા દ્વારા 119.05 કરોડના ખર્ચે રેલનગરમાં 1010 આવાસ અને 47 દુકાન બનાવવામાં આવી છે. આ આવાસ યોજનામાં સોલાર સિસ્ટમ, પાણીની લાઈન, ડ્રેનેજ સિસ્ટમ, ગેસ પાઈપલાઈન, વીજ કનેક્શન, ચિલ્ડ્રન પ્લે એરિયા, હોલ, બેડરૂમ, રસોડામાં વિટ્રીફાઇડ ટાઈલ્સ ફ્લોરિંગ, રસોડામાં મારબલ સેન્ડવિચ પ્લેટફોર્મ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. 47 દુકાનોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
શહેરની વસતિ અને વિસ્તરણને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા રૈયાધાર અને ઘંટેશ્વર વિસ્તારમાં ગટરનું પાણી શುದ್ಧ કરી ડેમમાં છોડવાનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી કરશે. રેલનગર વિસ્તાર માટે 139 લાખ લીટર પાણી સંગ્રહિત કરી શકાય તે માટે બનાવાયેલા પાણીના ટાંકા (GSR)નું લોકાર્પણ પણ થશે.
થોડા સમય પહેલા જંગલેશ્વર વિસ્તારમાં 1500થી વધુ ગેરકાયદેસર દબાણ તોડી 15 મીટર (45 ફૂટ) પહોળો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો; આજે શનિવારથી આ રસ્તાનું કામ પણ શરૂ થશે. અન્ય વિકાસકાર્યો સાથે મળીને કુલ 751 કરોડના વિકાસકામનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાર્યક્રમ બપોરે 3 વાગ્યાથી પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે.
આ પહેલાં મુખ્યમંત્રી બપોરે 1 વાગ્યે પેડક રોડ પર અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારો તેમના દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરશે. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે ભોજન લઈ 3 વાગ્યે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહેશે. 4:30 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ ભક્તિનગરમાં મેઘાણી રંગભવન ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં 150 ફૂટ રોડ પર લેઉવા પટેલ બોર્ડિંગનું લોકાર્પણ થશે અને હિરાસર એરપોર્ટથી રવાના થશે.
