વિકૃતિની હદ: બબ્બે માસીએ ૧૩ વર્ષના ભાણેજને કર્યા અડપલાં!
પિતા સાથે માથાકૂટ થતાં પુત્રને સાથે લઇ માતા પિયરમાં આવી ગઇ હતી: માતા ઘેર ન હોય ત્યારે માસીએ મોબાઇલમાં
બિભત્સ ફોટા બતાવી બાળક સાથે ન કરવાનું કર્યું
જો માતાને વાત કરશે તો બન્નેને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી માર મારતાં બાળક હેબતાઈ ગયું: રાજકોટના અત્યંત
પોશ વિસ્તારમાં રહેતી બન્ને માસી સામે નોંધાઈ ફરિયાદ
રાજકોટમાં અત્યંત ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં ૧૩ વર્ષીય બાળક સાથે તેની જ બબ્બે સગી માસીએ શારીરિક અડપલાં કર્યા બાદ તેને ધમકાવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મહારાષ્ટ્રમાં ક્નસ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં પિતાએ ત્યાંના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં મહારાષ્ટ્રના એક શહેરના પોલીસ મથકે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી તાલુકા પોલીસ મથકને ટ્રાન્સફર કરી હતી. ફરિયાદમાં પિતાના જણાવ્યા પ્રમાણે તેનો પત્ની સાથે ઝઘડો થતાં પત્ની અને પુત્ર રાજકોટ પોતાના પિયરમાં રોકાવા માટે આવી ગયા હતા
દરમિયાન ગત ૨૫ માર્ચે બાળકે પિતાને ફોન કરી રડતાં રડતાં કહ્યું હતું કે પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે મારે અહીં રહેવું નથી. આ પ્રકારનો ફોન આવતાં પિતા ચિંતાતૂર થઈને મહારાષ્ટ્રથી રાજકોટ આવી ગયા હતા અને પુત્રને અહીંથી લઈ ગયા હતા. પુત્ર સાથે શું થયું છે તેવું વારંવાર પૂછવા છતાં કઈ જણાવ્યું ન્હોતું. જો કે વારંવાર પૂછતાં તેણે કહ્યું કે જૂન-૨૦૨૫માં અમીનમાર્ગ વિસ્તારમાં રહેતા માસી ઘેર રોકાવા માટે આવ્યા હતા. ત્યારબાદ માતા ઘર બહાર ગયા ત્યારે ઘરમાં માસી અને ભાણેજ બન્ને એકલા જ હતા. બાળક અભ્યાસ કરી રહ્યું હતું ત્યારે માસી રૂમમાં આવી અને વાતચીત કર્યા બાદ બાળકને માસીએ તેના મોબાઈલમાં રહેલા બિભત્સ ફોટો બતાવ્યા હતા. આ પછી માસીએ અડપલાં શરૂ કરી દેતાં બાળક ડરી ગયો અને માસીને ધક્કો મારીને રૂમ બહાર નીકળી ગયો હતો.
બાળકની પાછળ તેની માસી પણ દોડી આવી હતી અને ધમકાવતા કહ્યું કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારી મમ્મી બન્નેને ઘરમાંથી કાઢી મુકીશ. આટલુ ઓછું હોય તેમ બાળકને માર પણ માર્યો હતો. આ પછી જ્યારે માતા બહાર જાય ત્યારે માસી ઘરમાં આવી બિભત્સ વર્તન કરતી હતી. આટલુ ઓછું હોય તેમ બાળકના જન્મદિવસે જ બીગબજાર નજીક વિસ્તારમાં રહેતી બીજી માસી આવી હતી અને તેણે પણ બાળકને મોબાઈલમાં બિભત્સ ફોટો બતાવી અડપલા કર્યા હતા. એકંદરે બન્નેએ મળીને ગેરહાજરીનો લાભ લઈને બાળક સાથે ત્રણેક વખત ન કરવાનું કરતાં આખરે પિતાએ બાળકની કેફિયતના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે જેના ઉપર આરોપ લગાવાયો છે તે બન્ને રાજકોટના અત્યંત પોશ વિસ્તારમાં રહેતી હોવાનું અને બન્ને શિક્ષિત હોવાનું બહાર આવ્યું છે !
બાળકે માતાને વાત કરી તો તેણે પણ ગંભીરતા ન સમજી !
એવી વિગત પણ જાણવા મળી હતી કે માસીના ત્રાસથી કંટાળી જઈ બાળકે તેની માતાને સઘળી હકીકત જણાવી હતી. જો કે માતાએ વાતને ગંભીરતાથી લેવાની જગ્યાએ `તું નાનો છે એટલે માસીએ આવું કર્યું હશે, નાના બાળકો બધાને ગમે’ તેમ કહી વાત ઉડાવી દીધી હતી. એકંદરે બાળકનું કોઈ સાંભળતું ન હોય પિતાને વાત કરતાં તેમણે પોલીસનું શરણું લીધું હતું.
સાથે ભણતાં ૧૯ વર્ષીય યુવકનું સહપાઠી પર ચાર વખત દુષ્કર્મ
ઇન્સ્ટાગ્રામથી કેળવાયેલા સંબંધનો વધુ એક કરૂણ અંજામ: ટ્યુશનમાંથી ગુલ્લી મરાવી પિતરાઇ બહેનના ઘેર લઇ જઇ આચર્યું કુકર્મ
સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા બાદ અનેક વખત વાત દુષ્કર્મ સુધી પહોંચ્યાના કિસ્સાઓ બની ચૂક્યા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. સાથે ભણતાં ૧૯ વર્ષીય યુવકે સહપાઠી ૧૫ વર્ષીય સગીરા ઉપર ચાર-ચાર વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાતાં ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની ૧૫ વર્ષ ૩ મહિનાની વયની પુત્રી ઉપર કોઠારિયા રોડ પર અટિકા વિસ્તારમાં રહેતા અને ધો.૧૨માં અભ્યાસ કરતાં વંશે ચાર વખત દુષ્કર્મ ગુજાર્યું છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વંશ કુબાવત ભક્તિનગર વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસિસમાં અભ્યાસ માટે જતો હતો. આ જ ટ્યુશન ક્લાસિસમાં ભોગ બનનાર ૧૫ વર્ષીય સગીરા કે જે ધો.૧૦માં અભ્યાસ કરે છે તે પણ જતી હતી. અહીં સૌથી પહેલાં બન્ને ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવ્યા હતા. થોડો સમય ઈન્સ્ટાગ્રામ પર વાતચીત થયા બાદ એકબીજાના નંબરની આપ-લે કરી હતી.
દરમિયાન ગત તા.૪ એપ્રિલે વંશ ભોગ બનનારને ટ્યુશનમાંથી ગુલ્લી મરાવી પોતાની સાથે લઈ ગયો હતો. બન્ને વંશની પિતરાઈ બહેનના ઘેર પહોંચ્યા હતા જ્યાં શરીર સંબંધ બાંધ્યો હતો. જો કે પુત્રી મોડેથી ઘેર પહોંચી હોય તેને પૂછતાં વંશ તેનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. એકંદરે બન્ને ચાર મહિનાથી સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વંશની ધરપકડ કરી હતી.
