આતંકી હુમલા અંગે વડાપ્રધાન મોદીએ મન કી બાતમા શું કહ્યું ? જુઓ
પ્રધાનમંત્રી મોદીએ રવિવારે ’મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમના કાર્યક્રમનો આ 121મો એપિસોડ હતો. નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમમાં પહેલગામ હુમલાની ચર્ચા કરી અને પીડિત પરિવારોને ન્યાયની ખાતરી આપી કહ્યું, કે ‘આતંક સામેની અમારી લડાઈમાં આખું વિશ્વ 140 કરોડ ભારતીયોની સાથે છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે.
મોદીએ કહ્યું, ‘આજે જ્યારે હું તમારી સાથે ‘મન કી બાત’ વિશે વાત કરી રહ્યો છું, ત્યારે મારા હૃદયમાં ઊંડું દુઃખ છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખી કરી દીધા છે. દરેક ભારતીયને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે. તે ગમે તે રાજ્યના હોય કે કોઈપણ ભાષા બોલતા હોય, તેઓ એ લોકોનું દુઃખ અનુભવી રહ્યો છે જેમણે આ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. મને લાગે છે કે આતંકવાદી હુમલાની તસવીરો જોઈને દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે.
એમણે કહ્યું, કે ‘આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી તેમણે આટલું મોટું ષડયંત્ર કર્યું. દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકતા, આતંકવાદ સામેના આ યુદ્ધમાં આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની અમારી નિર્ણાયક લડાઈનો આધાર છે. દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણો સંકલ્પ મજબૂત કરવાનો છે.
મોદીએ આગળ કહ્યું, ‘મિત્રો, જે ગુસ્સો ભારતમાં છે તે આખી દુનિયામાં છે. આ આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી સતત શોકની લાગણીઓ આવી રહી છે. વૈશ્વિક નેતાઓએ પણ મને ફોન કર્યો છે, પત્રો લખ્યા છે અને સંદેશા મોકલ્યા છે. આ ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની દરેકે સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.