કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ઝંડુ કુમારે ભારતનું ખાતું ખોલાવ્યું
પાવરલીફટિંગમાં બતાવ્યો “પાવર”: ત્રણ પ્રયાસમાં 400 કિલોથી વધુ વજન ઉપાડ્યો
ભારતે ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલનું ખાતું ખોલાવ્યું છે. પેરા-એથ્લીટ ઝંડુ કુમારે ગ્લાસગોમાં રમાઈ રહેલી ગેમ્સમાં બ્રોન્ઝ જીતીને દેશનો પહેલો મેડલ જીત્યો હતો. હેવીવેઇટ પાવરલિફ્ટિંગ કેટેગરીમાં ભાગ લેતા ભારતીય લિફ્ટરે 130.9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બિહારના વતની 28 વર્ષીય ઝંડુ કુમારને પાંચ વર્ષની ઉંમરે પોલિયો થયો જેના કારણે તેમણે આજીવન અપંગતા થઈ ગઈ હતી છતાં હાર માન્યા વગર તેમણે દેશ માટે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.
પાવરલિફ્ટિંગ હેવીવેઇટ ઇવેન્ટમાં ઝંડુએ તેના પહેલા પ્રયાસમાં 181 કિલો વજન ઉપાડી 124.7 પોઈન્ટ મેળવ્યા હતા. બીજા પ્રયાસમાં તેણે 190 કિલો વજન ઉપાડ્યું જેથી તેનો સ્કોર 130.9 પોઈન્ટ થયો હતો. આ પછી ત્રીજા પ્રયાસમાં તે 196 કિલો વજન ઉપાડવામાં ચૂકી ગયો હોવા છતાં તેણે 130.9 પોઈન્ટના સ્કોર સાથે લાંબા સમય સુધી ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.
આ કેટેગરીમાં નાઇજીરીયાના રિલવાન ઇદ્રીસે 208 કિલો વજન ઉપાડીને 132.8 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડના મેથ્યુ હાર્ડિંગે 199 કિલો વજન ઉપાડીને 131 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
