૧૨ વર્ષથી ચાલ્યો આવતો ICC ટ્રોફીનો દુકાળ રોહિતસેના પૂરો ન કરી શકી…
રોહિતના આઉટ થયા બાદ ૪૦ ઓવરમાં લાગ્યા માત્ર ૪ ચોગ્ગા!
ફાઈનલ મુકાબલામાં ભારતે પહેલાં બેટિંગ કરતાં ૨૪૦ રન બનાવ્યા હતા. ક્રિઝ પર જ્યાં સુધી રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ તેના આઉય થયા બાદ બાઉન્ડ્રીનો દુકાળ પડી ગયો હતો. ભારતીય ઈનિંગની પહેલી ૧૦ ઓવરની અંદર ૧૨ બાઉન્ડ્રી લાગી હતી જેમાં રોહિતના ૩ છગ્ગા સામેલ હતા. રોહિતે પોતાની ૪૭ રનની ઈનિંગમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા લગાવ્યા હતા. જો કે તેના આઉટ થયા બાદ બાઉન્ડ્રીનો દુકાળ પડી ગયો અને ત્યારબાદ ૪૦ ઓવરમાં કુલ ૪ બાઉન્ડ્રી લાગી હતી જેમાં એકેય છગ્ગો સામેલ ન્હોતો !! રોહિતના આઉય થયા બાદ આવેલી ચાર બાઉન્ડ્રીમાં રાહુલ, સૂર્યકુમાર, શમી અને સિરાજે ૧-૧ ચોગ્ગો લગાવ્યો હતો.
સૂર્યકુમારને પોતાના કરતાં બુમરાહ-શમી-કુલદીપ પર વધુ ભરોસો રહ્યો !
પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવનારા સૂર્યકુમાર યાદવને જાણે કે પોતાના કરતા મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવ ઉપર વધુ ભરોસો હોય તેવી રીતે ખુદ સ્ટ્રાઈક લેવાની જગ્યાએ રન લઈ રહ્યો હતો. રાહુલ ૧૦૭ બોલમાં ૬૬ રન બનાવીને ૪૨મી ઓવરમાં આઉટ થયો ત્યારે સૂર્યકુમાર ૧૬ બોલમાં ૧૦ રન બનાવીને રમી રહ્યો હતો. તે ૪૮મી ઓવરમાં ૨૮ બોલમાં ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ બાદ સૂર્યકુમારે માત્ર ૧૨ દડા રમ્યા હતા જ્યારે શમી, બુમરાહ અને કુલદીપે ૨૪ બોલનો સામનો કર્યો હતો ! જો સૂર્યકુમારે વધુ સ્ટ્રાઈક લીધી હોત તો ભારતનો સ્કોર વધી ગયો હોત.
વર્લ્ડકપ-૨૦૨૩ની સૌથી ધીમી ફિફટી રાહુલના નામે: ૧૦૭ બોલમાં લગાવ્યો માંડ ૧ ચોગ્ગો
ભારતના વિકેટકિપર કે.એલ.રાહુલે આ વર્લ્ડકપની સૌથી ધીમી ફિફટી બનાવી હતી. તેણે ૧૦૭ બોલમાં ૬૬ રન બનાવ્યા હતા જેમાં માત્ર એક ચોગ્ગો જ લગાવી શક્યો હતો. રાહુલે વન-ડે કરિયરની ૧૭મી ફિફટી પૂરી કરી હતી જેના માટે તેણે ૮૬ બોલનો સામનો કર્યો હતો. આ સાથે જ વન-ડે વર્લ્ડકપના ફાઈનલમાં ફિફટી બનાવનારો પાંચમો ભારતીય બેટર બન્યો છે.
કપિલ દેવને ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ જ અપાયું નહીં!
અમદાવાદમાં રમાયેલા ભારત અને ઓસ્ટે્રલિયા વચ્ચેના વર્લ્ડકપના ફાઈનલ મેચને જોવા માટે દેશના વી-વીઆઈપીઓ, કલાકારો, સિનિયર ખેલાડીઓ અમદાવાદ પહોંચ્યા હતા પરંતુ દુ:ખની વાત એ છે કે, ૧૯૮૩ના વર્લ્ડકપના હીરો અને પૂર્વ સુકાની કપિલ દેવની આવા મહત્વના પ્રસંગમાં ગેરહાજરી હતી અને તેનું સૌથી મોટું આઘાતજનક કારણ એ હતું કે કપિલદેવને મેચ જોવા આવવાનું સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા કપિલ દેવે કહ્યું હતું કે, `કભી કભી લોગ ભૂલ જાતે હૈ’, મને કોઈએ ફોન કર્યો નથી અને આમંત્રણ આપ્યું નથી. મારી ઈચ્છા એવી હતી કે ૧૯૮૩ વર્લ્ડકપ વિજેતા ટીમ સાથે હું સ્ટેડિયમમાં મેચ જોવા જવાનો હતો પરંતુ આમંત્રણ નહીં મળવાના કારણે હું ગયો નથી.
આ વર્લ્ડકપમાં ભારત પહેલીવાર ઓલઆઉટ: કોહલીએ ફાઈનલમાં બનાવી પહેલી ફિફટી
વન-ડે વર્લ્ડકપના ફાઈનલમાં ક્રિકેટરસિકોની ધારણા પ્રમાણે ભારતીય ટીમે ભલે બેટિંગ ન કરી હોય આમ છતાં અનેક રેકોર્ડ જરૂર બનાવી લીધા છે. ખાસ કરીને આ વખતના વર્લ્ડકપમાં ભારતની ટીમ પહેલી વખત ઓલઆઉટ થઈ છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા એક વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ૫૯૭ રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો છે. આવી જ રીતે ઑસ્ટે્રલિયા વિરુદ્ધ તેના ૮૭ છગ્ગા પૂરા થયા છે. આ સાથે જ તેણે ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડ્યો છે જેણે ઈંગ્લેન્ડ સામે ૮૫ છગ્ગા લગાવ્યા હતા. રોહિતની આ ટૂર્નામેન્ટમાં ૩૧ સીક્સ પણ થઈ ગઈ છે. તે એક વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા લગાવનારો ખેલાડી બન્યો છે. તેણે ગેઈલનો રેકોર્ડ તોડ્યો છે જેણે ૨૦૧૫ના વર્લ્ડકપમાં ૨૬ છગ્ગા લગાવ્યા હતા.
કોહલીએ ફાઈનલમાં ૫૪ રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ તેણે વર્લ્ડકપમાં ૭૬૫ રન બનાવ્યા હતા. તે એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો છે. બીજા નંબરે સચિન તેંડુલકર છે જેમણે ૨૦૦૩માં ૬૭૩ રન બનાવ્યા હતા. કોહલી ફાઈનલમાં ૫૪ રન બનાવતાની સાથે જ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં બીજા નંબરે આવ્યો છે. કોહલીએ આઈસીસી વન-ડે ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહેલી ફિફટી લગાવી છે.