ઓહ નો…શમીને રાજકોટમાં ઈજા : MP સામે રમતી વખતે ઈજાગ્રસ્ત થઈ જતાં ઑસ્ટે્રલિયા જવાનું સ્વપ્ન રોળાઈ શકે છે
અંદાજે એક વર્ષના લાંબા સમય બાદ ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી થકી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી હતી. આ પછી તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ વતી રમવા ઉતર્યો હતો. દરમિયાન રાજકોટમાં તે મધ્યપ્રદેશ સામે રમતી વખતે ઈજાગ્રસ્ત થઈ જતાં ઑસ્ટે્રલિયા જવાનું સ્વપ્ન રોળાઈ શકે છે.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ `સી’ પર મધ્યપ્રદેશ વિરુદ્ધ બોલિંગ કરતી વખતે શમીએ બોલને રોકવાનો પ્રયાસ કરતા તે વિચિત્ર રીતે પડી ગયો હતો. આ પછી તે પોતાની કમર પકડીને બેસી ગયો હતો. મેડિકલ ટીમ જેમાં સેન્ટર ઑફ એક્સિલેન્સના મેડિકલ પેનલના પ્રમુખ નીતિન પટેલ પણ સામેલ હતા જે ગ્રાઉન્ડ પર દોડી ગયા હતા.
ખાસ વાત એ છે કે નીતિન પટેલ અને તેની મેડિકલ ટીમ શમીની રિકવરી પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે રાજકોટ આવ્યા હતા. ઈજા થયા બાદ શમીને મેડિકલ ટીમે સારવાર આપી હતી અને તેણે પોતાની ઓવર પૂર્ણ કરી હતી. જો કે તેની ટીમ આ મેચ હારી ગઈ હતી.