ભારત કહે એમ કરો નહીંતર ચેમ્પિયન્સ ટ્રોફીને ભૂલી જાવ !! ICCની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ વાત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની અક્કલ આખરે ઠેકાણે લાવી દેવા આઈસીસીએ નિર્ણય લીધો છે. બીસીસીઆઈ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીને હાઈબ્રિડ મોડેલ (અન્ય કોઈ દેશમાં) રમાડવા માટે કરાયેલી માંગને આઈસીસી તેમજ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશોએ મંજૂરી આપી દીધી છે. આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને પીસીબીના જક્કી વલણ પર આકરું વલણ અખત્યાર કરતાં કહ્યું છે કે કાં તો તે ભારતની વાત માની લ્યે અથવા તો પછી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવા માટે તૈયાર થઈ જાય !
પીસીબીએ દુબઈમાં આઈસીસીના કાર્યકારી બોર્ડની ઈમરજન્સી બેઠકમાં હાઈબ્રિડ મોડેલ પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાનો ઈનકાર કર્યો હતો. આ બેઠકનો હેતુ આવતાં વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં કાર્યક્રમની રૂપરેખા ઘડવાનો હતો. સુરક્ષાને કારણે ભારતે પાકિસ્તાનની યાત્રા કરવાનો ઈનકાર કર્યા છતાં પીસીબીએ ફરી એક વખત હાઈબ્રિડ મોડેલને ફગાવ્યું હતું જેના કારણે સર્વસંમતિ સધાઈ ન્હોતી.
આઈસીસીના મહત્તમ સભ્યો પાકિસ્તાનની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ રાખી રહ્યા હતા. પીસીબી પ્રમુખ મોહસીન નકવીને વિવાદના ઉકેલ સ્વરૂપે હાઈબ્રિડ મોડેલનો સ્વીકાર કરવા સલાહ અપાઈ હતી. જો હાઈબ્રિડ મોડેલ અપનાવાશે તો પછી ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની તમામ મેચ સંયુક્ત આરબ અમીરાતમાં રમશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ ન થાય તો કોઈ પણ પ્રસારણકર્તા ટૂર્નામેન્ટ માટે પૈસા ચૂકવવા રાજી થશે નહીં અને એ વાત પાકિસ્તાન પણ જાણે જ છે.