કાનપુર ટેસ્ટ: ૩૫ ઓવરમાં જ પહેલો દિવસ પૂર્ણ,મેદાન ભીનું હોવાને કારણે મેચ મોડી શરૂ થઈ; વરસાદ પડતાં ૩ વાગ્યે દિવસ પૂર્ણ જાહેર કરાયો
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ પર ભારત-બાંગ્લાદેશ વચ્ચે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે માત્ર ૩૫ ઓવર ફેંકાઈ ત્યાં રમત પૂર્ણ જાહેર કરાઈ હતી. પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બાંગ્લાદેશે ત્રણ વિકેટે ૧૦૭ રન બનાવ્યા હતા. મોમિનૂલ હક્ક ૪૦ અને મુશ્ફિકુર રહીમ ૬ રન બનાવી અણનમ છે. ખરાબ રોશની અને વરસાદને કારણે પ્રથમ દિવસે ખાસ્સી અસર પહોંચી હતી.
ટોસ જીતી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પહેલાં બોલિંગ પસંદ કરી હતી. આ સાથે જ ૬૦ વર્ષ બાદ કાનપુરમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. છેલ્લે ૧૯૬૪માં ભારતે ઈંગ્લેન્ડ સામે આવું કર્યું હતું.
કાનપુરમાં ભારે વરસાદને કારણે અમ્પાયરે પહેલાં દિવસે રમતને ઝડપથી પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. મોડીરાત્રે અહીં ભારે વરસાદને લીધે મેચની શરૂઆત પણ એક કલાક મોડી થઈ હતી. ટોસ નવની જગ્યાએ દસ વાગ્યે થયો હતો તો મેચનો પ્રારંભ ૯:૩૦ની જગ્યાએ ૧૦:૩૦એ થયો હતો.
પહેલાં બેટિંગ કરતાં જાકિર હસન અને શદમાન ઈસ્લામે ટીમને સારી શરૂઆત આપવાની કોશિશ કરી હતી પરંતુ વધુ ડૉટ બોલ રમવાને કારણે જાકિર પર દબાણ આવ્યું હતું જેના કારણે જ તેણે વિકેટ ગુમાવી દીધી હતી. તે ૨૪ બોલમાં ખાતું ખોલાવ્યા વગર જ પરત ફર્યો હતો. આ પછી આકાશ દીપે શદમાન ઈસ્લામને ૨૪ રને આઉટ થયો હતો. ત્યારબાદ મોમિનૂલ હક્કે કેપ્ટન શાંતો સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી કરી હતી જેને અશ્વિને તોડી હતી. અશ્વિને શાંતોને ૩૧ રને આઉટ કર્યો હતો.